સંખ્યાબંધ હથિયારો પકડાયા હતા; રાજ્યના ડી.જી.પી.ના આદેશ બાદ સમગ્ર રાજ્યમાં અસમાજિક તત્વો પર તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડીસામાં પણ નગરપાલિકા અને પોલીસે માથાભારે તત્વો પર તવાઈ બોલાવી છે. ડીસામાં માથાભારે શખ્સ નટવર ઠાકોર ઉર્ફે ચકા ઠાકોરની પોસ્ટ ઓફિસ પાસે આવેલી ઓફિસ પર નગરપાલિકાની ટીમે પોલીસ સાથે પહોંચીને માપણી કરી અને દબાણ તોડવાની કાર્યવાહી કરી હતી. હજુ ગઈકાલે જ પોલીસે ચકા ઠાકોરના ઘરમાં તપાસ કરતા તેના ઘરમાંથી હથિયારોનો મોટો જથ્થો મળી આવ્યા હતા.
આ કાર્યવાહીથી ડીસાના અસમાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. શહેરના લોકોએ પોલીસ અને નગરપાલિકાની આ કામગીરીને આવકારી છે અને આવી કાર્યવાહી ચાલુ રાખવાની માંગ કરી છે. પોલીસની આ કાર્યવાહીથી અસમાજિક તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને લોકોમાં રજૂઆત કરવાની હિંમત આવી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ લોકોને અપીલ કરી છે કે અસમાજિક તત્વોથી પીડિત લોકો પોલીસને જાણ કરી શકે છે. પોલીસ અને તંત્રની આ કાર્યવાહીથી લોકોમાં વિશ્વાસ ઊભો થયો છે કે શહેરને અસમાજિક તત્વોથી મુક્ત કરાવી શકાશે.