મંત્રીએ સરસ્વતી નદીના તટ પર નિર્માણ પામી રહેલા રિવરફ્રન્ટ પ્રોજેક્ટના ફેઝ-2ના કામોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું
રાજ્યકક્ષાના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહે સરસ્વતી નદી પર ચાલી રહેલા રિવરફ્રન્ટ અને હીરાબા સરોવરના કામોની સ્થળ મુલાકાત લીધી હતી. તેમણે વિકાસ કાર્યોની પ્રગતિ અંગે અધિકારીઓ સાથે સમીક્ષા કરી ફેઝ-2 ની કામગીરી ઝડપ થી પૂર્ણ કરવા સૂચના આપી હતી. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે,દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સાનિધ્યમાં સરસ્વતી નદીમાં ગત વર્ષે રૂ.20 કરોડના ખર્ચે ફેઝ-1ની કામગીરી કરવામાં આવી છે. જ્યારે ફેસ-2 માં 1700 મીટર લંબાઈમાં કામગીરી ચાલુ છે. જેમાં 19 કરોડના ખર્ચે કામગીરી થઈ રહી છે. અહીં માતૃતીર્થનું મહત્વ હોવાથી ધાર્મિક વિધિ કરવા માટે દેશભરમાંથી લોકો આવે છે. ભૂતકાળની અંદર અહીં પાણી જોવા મળતું ન હતું ત્યારે હાલમાં પાણીના કારણે આજુબાજુના જળ સ્તર ઊંચા આવશે જેનાથી ખેતી પણ થઈ શકશે.પ્રોજેક્ટની સમીક્ષા દરમિયાન મંત્રીએ હાજર અધિકારીઓ પાસેથી ટેકનિકલ વિગતો મેળવી હતી. તેમણે બાકી રહેલી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા નિર્દેશ આપ્યા હતા.
આ મુલાકાત દરમિયાન સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મંત્રીને માતૃગયા તીર્થના ધાર્મિક મહત્વ અને શ્રદ્ધાળુઓ માટેની સુવિધાઓ અંગે માહિતગાર કર્યા હતા. મંત્રીએ નદી વિસ્તારમાં ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહેલા જળ સંરક્ષણ અને સફાઈના કાર્યોનું પણ અવલોકન કર્યું હતું.


