એલસીબીએ રૂ.3.05 લાખના મુદ્દામાલ કબ્જે કરી ફરાર થયેલ મુખ્ય આરોપી સામે કાર્યવાહી હાથ ધરી
શંખેશ્વર તાલુકાના ટુવડ ગામની સીમમાં ખેતરમાં વિદેશી દારૂ ઉતારવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે પાટણ એલ.સી.બી.એ દરોડો પાડ્યો હતો. આ દરોડામાં કુલ રૂ. 3,05,312 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જોકે મુખ્ય આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ એલસીબી પોલીસે સ્થળ પરથી 959 નંગ વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી કુલ રૂ. 2,65,312 ની કિંમતનો જથ્થો જપ્ત કર્યો હતો.
આ ઉપરાંત, સ્થળ પરથી નંબર પ્લેટ વગરની રૂ.40,000 ની કિંમતની એક હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ પણ મળી આવી હતી.પાટણ એલ.સી.બી. શાખાના કર્મચારીઓ શંખેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે તેમને બાતમી મળી હતી કે ટુવડ ગામની સીમમાં નદીવાળા ઓટામાં આવેલા ખેતરમાં વિષ્ણુજી ઉર્ફે લાલાજી નવઘણજી ઠાકોર નામનો શખ્સ સ્વિફ્ટ ગાડીમાંથી દારૂ ઉતારી રહ્યો છે. પોલીસ પંચો સાથે દરોડો પાડે તે પહેલા જ મુખ્ય આરોપી નાસી છૂટ્યો હતો.
પોલીસે ખેતરના શેઢા પાસે કાળા કલરની તાડપત્રી નીચે છુપાવેલો દારૂનો જથ્થો શોધી કાઢ્યો હતો. જેમાં વ્હાઇટ લેસ વોડકા ઓરેન્જ ફ્લેવર, કિંગફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમિયમ બિયર, મેજિક મોમેન્ટ્સ જામુન સ્પાઈસી અને ઓરેન્જફ્લેવર, તેમજ 8 PM સ્પેશિયલ રેર વ્હિસ્કીની બોટલોનો સમાવેશ થાય છે. આ સમગ્ર મામલે એલ.સી.બી.ના પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ માનસિંહે શંખેશ્વર પોલીસ મથકે વિષ્ણુજી ઉર્ફે લાલાજી નવઘણજી ઠાકોર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા શંખેશ્વર પીએસઆઈ જીવાજી બબાજી ઠાકોરે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

