બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતોનો વધતાં ગ્રાફ વચ્ચે ઊંઘતું તંત્ર
વર્ષ 2024 માં જિલ્લાના 76 વ્યક્તિઓનાં માર્ગ અકસ્માતમાં મોત, મૃતકોમાં મોટાભાગના યુવાનો, તો 5433 વ્યક્તિઓ એક વર્ષમાં જ ઈજાગ્રસ્ત બન્યાં
સાહેબ ! વર્ષમાં એકવાર ગુલાબનું ફૂલ આપવાથી કે શહેરમાં હેલ્મેટ વગરના શોધવાથી માર્ગ અકસ્માતો નાં અટકે: જનતાનો આક્રોશ
એક તરફ સરકાર દ્વારા દર વર્ષે માર્ગ સલામતી સપ્તાહ ઉજવાય છે, અને દર મહિને માર્ગ સલામતી કમિટીની મીટીંગો યોજાય છે, તેમ છતાં તંત્રની બેધારી નીતિના લીધે બનાસકાંઠા સહિત સમગ્ર રાજ્યમાં માર્ગ અકસ્માતો અને તેમાં થનાર મૃત્યુની સંખ્યા દર વર્ષે ચિંતાજનક હદે વધી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં પણ વર્ષ 2023 ની સરખામણીએ વર્ષ 2024 માં માર્ગ અકસ્માતોનું પ્રમાણ 15 ટકા જેટલું વધી ગયું, પરિણામે 5433 લોકો માર્ગ અકસ્માતમાં ઈજા પામ્યા તો 76 લોકોએ પોતાનું જીવન ગુમાવવાનો વારો આવ્યો. એટલું જ વર્ષ 2025 માં પણ બનાસકાંઠા જિલ્લામાં અત્યારસુધીમાં પાંચ મોટા માર્ગ અકસ્માતમાં જ 20 થી વધુ વ્યક્તિઓને જીવન ગુમાવવા પડ્યા છે. જે તંત્રના માર્ગ સલામતીના મસમોટાં દાવાઓની પોલ ખુલવા માટે પૂરતા છે.
ગુજરાત રાજ્યમાં માર્ગ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. દરેક જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે, એમાંય ગુજરાતની ઉત્તરે આવેલાબનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2024 દરમિયાન જુદાજુદા સ્થળોએ સર્જાયેલા 213 જેટલા માર્ગ અકસ્માતોમાં કુલ 76 લોકોનાં મોત થયા હતા. જેમાં 70 ટકા યુવાનોએ જીવન ગુમાવવું પડ્યું હતું. અકસ્માત થવા પાછળ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન સહિત વધારે ગતી તેમજ રખડતાં પશુઓ સહિતના કારણો મુખ્યત્વે જવાબદાર હોવાનું મનાય છે. જિલ્લામાં વાહન ચાલકો માટે ટ્રાફિક જાગૃતિ માસની ઉજવણી ચાલી રહી છે. જ્યાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે વાહન ચાલકોને વિનામૂલ્યે હેલમેટ, ગુલાબના ફૂલ આપવામાં આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોમાં વસવાટ કરતાં વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યા છે. લોકો દ્વી -ચક્રી વાહન ખરીદે ત્યારે કંપની દ્વારા હેલમેટ ફરજીયાત આપવામાં આવે છે. પરંતુ યુવકો ઘરના ખુણે મુકી દેતા હોય છે. હાઇવે ઉપર ફોર વ્હિલરમાં સીટ બેલ્ટ બાંધતા નથી. ઝડપ પણ વધુ હોય છે. જેના કારણે અકસ્માતો સર્જાઇ રહ્યા છે.
બનાસકાંઠામાં પસાર થતાં નેશનલ હાઈવે પર સતત ટ્રાફિકમાં વધારો થયો જાય છે. હાઈવે પર વાહનચાલકો બેફામ ગતિથી વાહનો ચલાવતા હોય છે. અને તેના લીધે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માતો સર્જાતા હોય છે. બીજુ વાહનચાલકોમાં ટ્રાફિક સેન્સનો અભાવ જોવા મળી રહ્યો છે. આમ અકસ્માતો પાછળ ઘણાબધા કારણો જવાબદાર હોય છે. બીજી તરફ જે પોલીસ તેમજ આરટીઓ વિભાગની જવાબદારી છે કે લોકોને ટ્રાફિક નિયમો બાબતે જાગરૂક કરી વાહન અકસ્માતોનું પ્રમાણ ઘટાડે તે જ ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગ પણ હપ્તા ખોરીની કુટેવમાં ઘેટાં બકરાં ની જેમ પેસેન્જર ભરતા ખાનગી વાહન ચાલકો સામે કૂણું વલણ દાખવે છે. પરિણામે માર્ગ અકસ્માતોનું પ્રમાણ અને તેમાં થતાં મૃત્યુના બનાવો બંનેનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જોવા મળે છે.
સાહેબ! હાઇવે પર સીટ બેલ્ટ અને હેલ્મેટનો નિયમ છે કે નહીં?
કલેકટર કચેરીમાં હેલ્મેટ નાં પહેરો તો દંડ ફટકારતી પોલીસ હાઇવે પણ મુક પ્રેક્ષક બની જાય છે, આવી અજીબોગરીબ નીતિ બનાસકાંઠા પોલીસ દ્વારા અપનાવવામાં આવી રહી છે, જેના લીધે હાઇવે પર માર્ગ અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે. માર્ગ અકસ્માત વધવા પાછળ મોટર વ્હિકલ એકટ નાં કાયદાઓનું મનસ્વી રીતે પાલન કરાવતી પોલીસ પણ એટલી જ જવાબદાર હોવાનું જાગૃત નાગરિકો માને છે. લોકોના જણાવ્યા અનુસાર, જિલ્લા મથક પાલનપુરની કલેકટર કચેરી સહિત રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં વાહન ચાલકો હેલ્મેટ કે સીટ બેલ્ટ વિના વાહન સાથે પ્રવેશે તો તેને દંડ ફટકારવામાં આવે છે, આવી કડકાઈ પોલીસ તંત્ર દ્વારા અનેકો વખત કરવામાં આવે છે . પરંતુ હાઇવે પર હેલ્મેટ કે સીટ બેલ્ટ વગર વાહન ચલાવતા ટુ વ્હીલર્સ તેમજ ફોર વ્હીલર્સ સામે કડક કાર્યવાહી કરવાના આદેશ સુપ્રીમ કોર્ટના છે, છતાં જિલ્લાનું તંત્ર કોણ જાણે કેમ આવા આદેશોનું યોગ્ય પાલન નથી કરાવતું? તે સામાન્ય માણસની સમજની બહાર છે.



