અકસ્માત સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા, હાઇવે ઉપર ટ્રાફિકજામ; બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ખુણીયા ગામ નજીક રાજસ્થાનની એસ.ટી. બસ અને બોલેરો ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે અન્ય મુસાફરોને નાની- મોટી ઈજાઓ પહોંચી છે. અકસ્માતમાં લાશોને બહાર કાઢવા બોલેરોના પતરાં તોડાયા હતા.
બોલેરો ગાડીમાં દબાયેલી લાશોને બહાર કાઢવા માટે જેસીબી મશીનની મદદ લેવાઈ હતી.અકસ્માતની જાણ થતાં જ અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.જ્યારે ઘાયલોને સારવાર અર્થે ખસેડયા હતા.અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે બીજી તરફ ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા. અકસ્માતના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાઇ જવા પામ્યું છે. અમીરગઢ પોલીસ મથકના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં બે મહિલા, બે બાળક અને એક પુરુષ મળી પાંચ લોકોના મોત થયા છે.જેઓ અમીરગઢ તાલુકાના ધનપુરા- વિરમપુર વિસ્તારના છે. જ્યારે અન્ય લોકોને ઈજાઓ પહોંચી છે.જેથી મૃત્યુ આંક વધવાની શકયતા નકારી શકાતી નથી.