માંગણી નહીં સંતોષાય તો સચિવાલયના ઘેરાવની ચીમકી: બનાસકાંઠા જિલ્લાના વિભાજન સામે વિરોધનો સૂર વધતો જાય છે. ધાનેરા તાલુકાનો થરાદ જિલ્લામાં સમાવેશ કરવા સામેનો વિરોધ હવે પાલનપુર પહોંચ્યો છે. ધાનેરાના અગ્રણીઓએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં ધાનેરા તાલુકાનો બનાસકાંઠામાં જ સમાવેશ કરવાની માંગ કરાઈ હતી.
રાજ્ય સરકાર દ્વારા નવા વર્ષના પ્રારંભે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરાયું છે. બનાસકાંઠા જિલ્લામાંથી વાવ- થરાદ નામનો નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે. જોકે, જિલ્લા વિભાજનને લઈને વિરોધ નો વંટોળ ઉઠ્યો છે. ધાનેરા તાલુકાનો થરાદ જિલ્લામાં સમાવેશ કરવા સામે ધાનેરાવાસી ઓ ઉકળી ઉઠ્યા છે. સરકારે જનમત જાણ્યા વગર બંધ બારણે કરેલા નિર્ણયનો વિરોધ કરતા આ નિર્ણય રાજકીય રોટલા શેકવા માટે થયો હોવાના આક્ષેપો ધાનેરાના અગ્રણી જિલ્લા કોંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ ડામરાજી રાજગોરે કર્યા હતા.
ધાનેરા તાલુકાનો બ્રિટિશ શાસનથી આજદિન સુધીનો નાતો બનાસકાંઠા જિલ્લા સાથે રહ્યો છે. ત્યારે સામાજિક, ભૌગોલીક અને આર્થિક રીતે બનાસકાંઠા સાથે જોડાયેલા ધાનેરાવાસીઓ એ બનાસકાંઠા જિલ્લામાં જ ધાનેરાનો સમાવેશ કરવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જોકે, ધાનેરા તાલુકાની માંગણી નહિ સંતોષાય તો ઉગ્ર આંદોલન છેડી સચિવાલયનો ઘેરાવ કરવાની ચીમકી પણ એડવોકેટ કિરણ પુરોહિત સહિતના ધાનેરા વાસીઓએ ઉચ્ચારી હતી.