બુટલેગરોના દબાણો પર જેસીબી ફરી વળ્યું, તાલુકા પોલીસે પણ વેડંચા ગામે દબાણ તોડી પાડ્યા; રાજ્યના ગૃહ મંત્રી અને ડીજીપી ના આદેશને પગલે હરકતમાં આવેલી પોલીસનો પાવર પાલનપુરમાં જોવા મળી રહ્યો છે. જેમાં પાલનપુર પૂર્વ પોલીસ દ્વારા બૂટલેગરો સામે લાલ આંખ કરાઈ છે. જેમાં હરીપુરા તેમજ હાઉસિંગ બોર્ડની સામેના વિસ્તારમાં આવેલ બુટલેગરોના ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા હતા.
ગૃહ રાજ્ય મંત્રી ના આદેશ બાદ સમગ્ર રાજ્યમાં અસામાજિક તત્વો પર પોલીસની ટીમ ત્રાટકી રહી છે. ત્યારે બનાસકાંઠા પોલીસ એક્શન મોડમાં આવી હતી. પોલીસ, નગરપાલિકા અને વીજ કંપનીની ટીમ સાથે હરીપુરા વિસ્તાર, હાઉસિંગ બોર્ડ સામેનો વિસ્તારમાં આવેલા બુટલેગરોના ગેરકાયદેસર દબાણ ઉપર સપાટો બોલાવતા જેસીબી ફેરવી તોડી પાડવામાં આવ્યા હતા. જ્યારે પાલનપુર તાલુકા પોલીસે પણ પાલનપુર તાલુકાના વેડંચા, ગઢ સહિતના ગામોમાં આવેલા ગેરકાયદેસર દબાણો તોડી પાડયા હતા. જેના પગલે ગુનેગારોમાં ફાફડાટ પ્રસરી ગયો છે.
399 અસામાજિક તત્વોની યાદી તૈયાર; બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 399 જેટલા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં એક બાદ એક બુટલેગરો તેમજ અસામાજિક તત્વોના ત્યાં ગેરકાયદેસર દબાણો, પાણી કનેક્શન અને વીજ કનેક્શન કાપી ગુનાહિત પ્રવૃત્તિને ડામવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે.