ઝડપાયેલા આરોપીઓનું પોલીસે સરધસ કાઢીરિકન્સ્ટ્રક્શન કયુઁ; પાટણ શહેરના બગવાડા દરવાજા વિસ્તારની મ્યુનિસિપલ માર્કેટમાં થયેલી ₹3.50 લાખની ચોરીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે વેરાઈ ચકલા વિસ્તારમાંથી બે આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી ₹2.90 લાખ રોકડા અને એક રિક્ષા કબજે કરી છે.
ગત 29 જાન્યુઆરીએ વેપારી અજીતકુમાર રસીકલાલ શાહ વકરાના નાણાંમાંથી માલસામાન ખરીદવા માટે ₹3.50 લાખ રોકડ કપડાની થેલીમાં લઈને દુકાને આવ્યા હતા. આ દરમિયાન બે શખ્સોએ દુકાનમાં પ્રવેશ કરી ચણિયાચોળીનું કાપડ જોવાના બહાને વેપારીનું ધ્યાન ભટકાવીને થેલી માંથી રોકડ રકમની ચોરી કરી હતી. પાંચ દિવસ સુધી ચોરોની શોધખોળ કર્યા બાદ વેપારીએ તેમના મુંબઈથી આવેલા પુત્ર ગૌરાંગભાઈની સલાહથી પોલીસ ફરિયાદ નોંધાવતાએ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી શંકાસ્પદ રિક્ષામાં ફરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં જુગનુ રમેશભાઈ અર્જુનભાઇ (ઉંમર 25) અને રમેશભાઇ બલવંતસિંગ કુવરસિંગ (ઉંમર 30)નો સમાવેશ થાય છે. બંને આરોપીઓ બાવરી સમાજના છે. અને હાલ પાલનપુર તારાનગર માનસરોવર ફાટક પાસે રહેતાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.પોલીસે આરોપીઓ સાથે હિંગળા ચાચર ચોકથી ઘટના સ્થળ સુધી સરઘસ કાઢી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેને જોવા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. હાલ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.