હિંમતનગરના હાજીપુરા વિસ્તારમાં મોટી દુર્ઘટના ટળી હતી. વહોરવાડના ગેટ પાસે આવેલી જર્જરિત દુકાનનું તોડકામ ચાલુ હતું ત્યારે અચાનક કાટમાળ રસ્તા પર ધસી પડ્યો હતો, જેમાં એક રાહદારીનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનામાં દુકાનનો કાટમાળ રસ્તા પર પડતાં વીજ થાંભલા પરના વાયરો પણ ખેંચાઈ ગયા હતા. આ ઘટનાને કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા.
મહત્વપૂર્ણ બાબત એ છે કે છેલ્લા પાંચ દિવસથી આ જર્જરિત દુકાનનું તોડકામ નિયમોની અવગણના કરીને ચાલી રહ્યું હતું. માત્ર એક લીલા રંગનું કાપડ લગાવીને કામગીરી કરવામાં આવી રહી હતી, જે સુરક્ષાના દૃષ્ટિકોણથી અપૂરતું હતું. હિંમતનગર નગરપાલિકાના ટીપી વિભાગના એન્જિનિયરએ જણાવ્યું કે તેમણે સ્થળ તપાસ માટે કર્મચારીને મોકલ્યા છે. તેમણે ઉમેર્યું કે દુકાન તોડવા માટેની મંજૂરી અને નિયમોનું પાલન ફરજિયાત છે. હાજીપુરા વિસ્તારનો આ રસ્તો અત્યંત વ્યસ્ત છે, જ્યાં દરરોજ મોટી સંખ્યામાં વાહનો અને રાહદારીઓની અવરજવર રહે છે. આવી બેદરકારીભરી કામગીરીથી મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ હતી. સ્થાનિક રહીશોએ રોજ ઉડતી ધૂળથી પરેશાની વ્યક્ત કરી હતી. આ ઘટના બાદ દુકાન માલિક સામે કાર્યવાહીની માંગ ઉઠી છે.