પાટણ એલ.સી.બી.એ સોલાર પ્લાન્ટમાંથી કેબલ વાયરની ચોરીના ત્રણ ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ₹ 87,550ની કિંમતના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. એલ.સી.બી. સ્ટાફના માણસો મિલકત સંબંધી અનડિટેક્ટ ગુનાઓ શોધવા માટે સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમને બાતમી મળી હતી. કેટલાક ઈસમોએ સોલાર પ્લાન્ટમાંથી ચોરી કરેલા કોપર વાયર સમી ચેકપોસ્ટથી સમી પોલીસ સ્ટેશન જતા હાઈવે રોડ પર સંતાડ્યા છે. આ વાયર લેવા માટે આરોપીઓ રાત્રે આવવાના હતા.
બાતમીના આધારે, પોલીસે સદર જગ્યાએ ખાનગી વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન, ચોરી કરેલા મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સમી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓમાં નરેશભાઈ રામાભાઈ ઠાકોર (રહે. સિનાડ, તા. રાધનપુર, જિ. પાટણ), નરેશભાઈ ભાવસંગભાઈ ઠાકોર (રહે. બંધવડ, તા. રાધનપુર, જિ. પાટણ) અને બાબુભાઈ જોરાભાઈ ઠાકોર (રહે. તાંતીયાણા, તા. કાંકરેજ, જિ. બનાસકાંઠા)નો સમાવેશ થાય છે.

