અંદાજીત ૫ થી ૭ લાખ રૂપિયાના ફાફડા જલેબીનું વેચાણ થયું
અધર્મ પર ધર્મના વિજય સમા વિજયા દશમીના આ પાવન પર્વ પર રાવણ દહન સાથે ફાફડા-જલેબી આરોગવાનો અનોખો રિવાજ છે. આ રિવાજ મુજબ ગુરુવારે પાટણ વાસીઓની નાસ્તાની લારીઓ અને મીઠાઈની દુકાનો પર ફાફડા-જલેબી ખરીદવા માટે ભારે ભીડ ઉમટી જોવા મળી હતી. પાટણના લોકોએ અંદાજીત ૫ થી ૭ લાખ રૂપિયાના ફાફડા અને જલેબીની જિયાફત માણી હતી. ફાફડા જલેબીની માંગને પહોંચી વળવા માટે કંદોઈઓએ વધારાના તવા ગોઠવી વિશેષ તૈયારીઓ કરી હતી. પરિણામે, મીઠાઈની દુકાનો અને નાસ્તાની લારીઓ પર ફાફડા-જલેબીનો મોટો જથ્થો ઉપલબ્ધ જોવા મળ્યો હતો.
ચાલુ વર્ષે ફાફડાનો ભાવ પ્રતિ કિલો રૂ.૪૪૦ થી રૂ.૪૮૦ રહ્યો હતો. શુદ્ધ ઘીની જલેબી ૫૨૦ રૂ. કિલો થી રૂ.૫૬૦ પ્રતિ કિલો અને તેલની જલેબી રૂ. ૨૪૦ થી રૂ. ૨૮૦ પ્રતિ કિલોના ભાવે વેચાઈ હતી. આ ઉપરાંત, ચોળાફળી રૂ. ૩૬૦ થી રૂ. ૪૦૦ અને ગાંઠિયા રૂ. ૩૦૦ થી રૂ. ૩૨૦ પ્રતિ કિલોના ભાવ રહેતા ગતવર્ષે કરતાં ચાલુ વર્ષે ૧૦ ℅ જેટલો વધારો જોવા મળ્યો હતો. છતાં દશેરાના આ પાવન પર્વ પ્રસંગે પાટણવાસીઓએ લાખો રૂપિયાના ફાફડા- જલેબીનો સ્વાદ માણી વિજયાદશમીના પર્વને યાદગાર બનાવ્યો હતો.
Beta feature


