નુકસાન ગ્રસ્ત મિલકત ધારકોએ તંત્ર દ્વારા સર્વે હાથ ધરી નુકસાની નું વળતર ચૂકવવા માંગ કરી
પાટણ શહેરમાં હાલમાં અંડર ગ્રાઉન્ડ ઈલેક્ટ્રીક વાયરીંગ ની કામગીરી યુજીવીસીએલ દ્રારા પુરજોશમાં હાથ ધરવામાં આવી છે ત્યારે આ અંડર ગ્રાઉન્ડ લાઈનની ડ્રીલીંગ મશીનથી હાથ ધરાયેલી કામગીરી દરમિયાન મશીન ની ધ્રુજારી ના કારણે શહેરના કસારવાડા વિસ્તારમાં ભૂગૅભ ગટર લાઈન તૂટતાં અને આ વિસ્તારના પાચ જેટલા મકાનો અને દુકાનોમાં તિરાડો પડવાની સાથે લાદીઓ ઉખડી જવાની સમસ્યા સજૉતા નુકશાન ગ્રસ્ત મકાનો અને દુકાનોના માલિકો દ્રારા તેમની નુકશાનીનો સર્વે કરાવી તંત્ર દ્વારા વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે.
આ બાબતે વિસ્તારના રહીશો દ્વારા મળતી હકીકત મુજબ પાટણ શહેરમાં ત્રિકમ બારોટની વાવ થી પટેલના કસાર વાડા સુધી યુજીવીસીએલ દ્વારા ડ્રીલીંગ મશીન ની મદદથી હાથ ધરવામાં આવેલી અંડર ગ્રાઉન્ડ વાયરિંગની કામગીરી દરમિયાન ડ્રીલીંગ મશીન ની ધ્રુજારી થી વિસ્તારની ભૂગર્ભ ગટરની લાઈન તૂટી જતાં અને આસપાસના રહેણાંક મકાનો અને દુકાનોમાં તિરાડો પડવાની સાથે લાદીઓ ઉખડી જવાની સમસ્યાની સાથે મિલકત ધારકોને મોટું નુકસાન થયું છે.
ત્યારે વિસ્તાર ના સ્થાનિક રહેવાસી જયેશભાઈ પટેલે રોષ સાથે જણાવ્યું હતું કે યુજીવીસીએલ ની અંડરગ્રાઉન્ડ કામગીરીથી તેમના મકાનને નુકસાન થયું છે. આ બાબતે તેમણે પાલિકાતંત્ર નું ધ્યાન દોરી નુકસાની નો સર્વે કરી તેમને યોગ્ય વળતર મળે તે માટે માંગ કરી છે. તો દેવસીભાઈ પ્રજાપતિએ પણ તેમના મકાનમાં તિરાડો પડી હોવાની સાથે ઘરની લાદીઓ ઉખડી ગઈ હોવાનું જણાવ્યું હતું.
જોકે યુજીવીસીએલ દ્રારા હાથ ધરવામાં આવેલી અંડર ગ્રાઉન્ડ લાઈનની કામગીરી દરમિયાન ક્ષતિગ્રસ્ત બનેલ ભૂગર્ભ ગટર લાઈન મામલે પાલિકા તંત્ર દ્વારા રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. તો સ્થાનિક રહેવાસીઓ એ ફરિયાદ કરી છે કે ઉપરોક્ત અંડર ગ્રાઉન્ડ વાયરિંગની કામગીરી સમયે કોન્ટ્રાક્ટર કે કોઈ જવાબદાર કમૅચારી સ્થળ પર હાજર ન રહેતા કામ કરતાં મજુરો પોતાની રીતે આડેધડ કામગીરી કરી લોકો ને યોગ્ય જવાબ પણ આપતા ન હોવાનો બળાપો વ્યકત કર્યો હતો.