વાહન ચેકિંગ દરમિયાન બે શખ્સો ઝડપાતા વધુ બેના નામ ખુલ્યા
પાલનપુર પશ્ચિમ પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન બે શખ્સોને શંકાસ્પદ બાઈક સાથે ઝડપી લીધા હતા. ત્યારબાદ તપાસ કરવામાં આવતા તે બાઈક ચોરીનું હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે સઘન પૂછપરછ કરતા તેમણે જુદી જુદી જગ્યાએથી કુલ છ બાઈકોની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.જેમાં અન્ય બે શખ્સો પણ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું.જેથી પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક ના માર્ગદર્શન હેઠળ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકના પીઆઇ કે.એચ.બિહોલા પોતાના પોલીસ સ્ટાફ સાથે વાહન ચેકિંગમાં હતા. તે સમય દરમિયાન એક શંકાસ્પદ મોટર સાયકલ સાથે બે શખ્સો ઝડપાયા હતા. જેમની પૂછપરછ કરતા તેમની પાસેનું મોટર સાયકલ ચોરીનું હોવાનું સામે આવ્યું હતું જેથી તેમની આકરી પૂછપરછ કરતા તેમના દ્વારા પાલનપુર પશ્ચિમ,પૂર્વ તેમજ અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુદા જુદા છ મોટર સાયકલ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે 6 મોટર સાયકલ કબજે કરી ત્રણ શખ્સોની અટકાયત કરી છે. જેના પગલે અન્ય ગુનેગારોમાં ફફડાટ પ્રસરી ગયો છે.


