બનાસકાંઠાના ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને યુ.પી.એસ.સી ટોપર્સ પાસેથી મળ્યું પ્રેરણાદાયક માર્ગદર્શન

બનાસકાંઠાના ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને યુ.પી.એસ.સી ટોપર્સ પાસેથી મળ્યું પ્રેરણાદાયક માર્ગદર્શન

ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર એક સાથે ચાર ગુજરાતી યુ.પી.એસ.સી ટોપર્સ દ્વારા ૨૦૦૦ વિદ્યાર્થીઓને સિવિલ સર્વિસીસ પરીક્ષાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટ મિહિર પટેલે સ્પર્ધાત્મક અને સિવિલ સર્વિસિસની પરીક્ષાઓની તૈયારીઓ કરતા વિધાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી ખૂબજ ઉપયોગી અને પ્રેરણાત્મક પહેલ કરી હતી જે અંતર્ગત આજરોજ નગરપાલિકા ટાઉન હોલ, પાલનપુર ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને સ્પીપા, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક માર્ગદર્શન સેમીનારનું આયોજન કરાયું હતું.

આ સેમીનારમાં UPSC CSE-2024ના પરિણામમાં સમગ્ર દેશમાં બીજો રેન્ક મેળવનાર સુશ્રી હર્ષિતા ગોયલ, ચોથો રેન્ક મેળવનાર સુશ્રી માર્ગી શાહ અને ત્રીસમો રેન્ક મેળવનાર સ્મિત પંચાલ, ૫૦૭મો રેન્ક મેળવનાર બનાસકાંઠાના બ્રિજેશ બારોટ તથા સ્પીપાના કોર ફેકલ્ટીના બ્રિજેશ પટેલ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરાયા હતા.

આ સેમિનારમાં બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે વિદ્યાર્થીઓએ સ્વયં પ્રેરણા મેળવવી જરૂરી છે. પોતાની જાત પર વિશ્વાસ રાખી હકારાત્મક ધ્યેય સાથે અને હતાશ થયા વગર સતત મહેનત કરવી જરૂરી છે. ચાલુ વર્ષે યુ.પી.એસ.સીના પરિણામમાં ૧ થી ૩૦ના રેંકમાં ૦૩ ગુજરાતી ટોપર્સ પાસ થયા છે જે ગૌરવની બાબત છે. આગામી વર્ષોમાં અહીં ઉપસ્થિત તથા જિલ્લાના વધુ વિદ્યાર્થીઓ જ્વલંત સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ તેમણે પાઠવી હતી.

સમગ્ર દેશમાં યુ.પી.એસ.સી પરીક્ષામાં બીજો ક્રમાંક પ્રાપ્ત કરનાર ૨૪ વર્ષીય વડોદરાના વતની હર્ષિતા ગોયલએ વિદ્યાર્થીઓને જણાવ્યું કે, તેઓ ચાર્ટડ એકાઉન્ટ હતા અને દેશની સેવા કરવા તથા સમાજમાં સકારાત્મક પરિવર્તનના ધ્યેય સાથે સિવિલ સર્વિસની તૈયારીઓ શરૂ કરી હતી. તેમણે સફળતાનો મંત્ર આપતા કહ્યું કે,આયોજન બનાવવું, ડ્રીમ જોવું અને ભરપૂર પ્રયત્નો કરવા જોઈએ. નિષ્ફળતા તમારા લક્ષ્ય સુધી પહોંચવાનું પ્રથમ પગથિયું છે. નિયમિત ટેસ્ટ આપવો, ટાઈમ ટેબલનું ચોક્કસ પાલન કરવું, આપણી જાતને ઓછી ના આંકવી જોઈએ. તેમણે યુ.પી.એસ.સીને જવાબદારી દેશ અને દુનિયાને બહેતર બનાવવાની જર્ની તરીકે વર્ણન કર્યું હતું. વિદ્યાર્થીઓએ પુસ્તકો વચ્ચે શોખ પાળવો જોઈએ, પ્રકૃતિ અને પરિવાર ઉર્જા આપશે તથા વાલીઓની ભૂમિકા મહત્વની હોવાનું જણાવ્યું હતું.

યુ.પી.એસ.સી પરીક્ષામાં ચોથો ક્રમાંક પ્રાપ્ત કરનાર ૨૬ વર્ષીય માર્ગી શાહે જણાવ્યું કે, નાની નાની બાબતો પર કૃતજ્ઞતા હોવી જરૂરી છે. તેમણે અમદાવાદ સ્થિત એલ.ડી કોલેજ ખાતેથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. વર્ષ ૨૦૧૭માં પિતાની છત્રછાયા ગુમાવી હતી પણ પોતે હિંમત ના હારીને સખત પરિશ્રમ કર્યો જેના પરિણામે સફળતા મેળવી હતી. તેમણે વાલીઓને પોતાના બાળક પર ભરોસો રાખવા જણાવ્યું હતું.

યુ.પી.એસ.સી પરીક્ષામાં ૫૦૭મો રેન્ક મેળવનાર અને બનાસકાંઠાના વતની બ્રિજેશ બારોટએ જણાવ્યું કે, આર્ટસ, કોમર્સ સહિતના તમામ વિદ્યાર્થીઓ યુ.પી.એસ.સીમાં ચોક્કસ સફળતા મેળવી શકે છે. મનમાં દ્રઢ સંકલ્પ સાથે જી.સી.આર.ટી અને એન.સી.આર.ટીના પુસ્તકો તથા ઇન્ડિયન એક્સપ્રેસ જેવા સમાચાર પત્રોનું નિયમિત વાંચન ખૂબ જ જરૂરી છે. આ સાથે ચેટ જીપીટી અને youtube જેવા માધ્યમો થકી પણ યોગ્ય તૈયારી કરી શકાય છે.

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા પાલનપુરના પાર્થ રાવલે જણાવ્યું કે, આ સેમિનાર થકી તેમને યોગ્ય માર્ગદર્શન મળ્યું છે. તેમણે વિદ્યાર્થીઓ વતી જિલ્લા વહીવટી તંત્ર અને કલેકટર મિહિર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *