હિંમતનગર નગરપાલિકાએ શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે એક નવતર પહેલ શરૂ કરી છે. આ યોજના અંતર્ગત નાગરિકો એક કિલો પ્લાસ્ટિક જમા કરાવે તો તેમને બદલામાં એક કપડાની થેલી આપવામાં આવે છે. યોજનાના પ્રથમ બે દિવસમાં જ 8 શહેરીજનોએ 12 કિલો પ્લાસ્ટિક જમા કરાવ્યું છે.નગરપાલિકાના ચીફ ઓફિસરના જણાવ્યા અનુસાર, પાલિકાએ શહેરમાં પ્લાસ્ટિક વિરોધી અભિયાન ચલાવ્યું છે. આ અભિયાન અંતર્ગત લારી-ગલ્લા અને દુકાનોમાં પ્લાસ્ટિકના ઉપયોગ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં પાલિકાની વિવિધ ટીમો દ્વારા 350 કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે અને રૂ. 12,000થી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
આ નવી પહેલ અંતર્ગત, નાગરિકો ફાયર સ્ટેશન ખાતેની આરોગ્ય વિભાગની ઓફિસમાં પ્લાસ્ટિક જમા કરાવી શકે છે. પાલિકા દ્વારા આપવામાં આવતી કપડાની થેલીઓ પર જાગૃતિના સંદેશા પણ છાપવામાં આવ્યા છે. પાલિકાનું લક્ષ્ય છે કે ગૃહિણીઓ આ કપડાની થેલીઓનો ઉપયોગ બજાર જતી વખતે કરે, જેનાથી પ્લાસ્ટિકના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થશે.