હાઈવે પર ગટરોની સાફ-સફાઈ સમારકામ કર્યા વગર જ પ્રિમોન્સુન પ્લાનનો રિપોર્ટ કલેક્ટરમાં રજૂ કરી દીધો : ડીસા હાઈવે પર ગટરની સ્થિતિ દયનીય, પ્રિ-મોન્સુન પ્લાન પર સવાલ
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ના અધિકારીઓ દ્વારા બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને પણ ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે. ડીસા હાઈવે પરની નેશનલ હાઈવે ઓથોરિટીની ગટરોની સાફસફાઈ માટે જિલ્લા કલેક્ટરે લેખિતમાં જાણ કરી હોવા છતાં, નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પ્રિ-મોન્સુન પ્લાનની ખોટી માહિતી રજૂ કરીને કલેક્ટરને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
જિલ્લા કલેકટર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સંદર્ભમાં શહેરી વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઇવે પર પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત હાઈવેની બંને તરફ ચોમાસાની સિઝનમાં વરસાદી પાણીનો ભરાવો ન થાય અને યોગ્ય નિકાલ થાય તે રીતે ગટરો, નાળાઓની સાફ સફાઈ અને સમારકામ કરી તેનો રિપોર્ટ જિલ્લા કલેકટર કચેરીએ કરવા જણાવ્યું હતું. જે અંતર્ગત ડીસા નગરપાલિકાએ નેશનલ હાઇવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટરને તારીખ 24 એપ્રિલ 2025 ના રોજ પત્ર લખી ડીસા હાઈવે પર ગટરોની સાફ-સફાઈ સમારકામ કરવા જણાવ્યું હતું.જોકે ડીસા હાઈવે પર નેશનલ હાઈવે ઓથોરિટીની ગટરોની સાફસફાઈનો અભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. ઠેરઠેર નેશનલ હાઈવે પર ગટરના ગંદા પાણી ઉભરાતા નજરે પડી રહ્યા છે. જે ચોમાસા પહેલાની દયનીય સ્થિતિ દર્શાવે છે.
નેશનલ હાઈવે ઓથોરિટીની ગટરોના સ્લેબ પણ પડી જવાના વાંકે ઉભા હોય તેવું દેખાઈ રહ્યું છે, જે કોઈ પણ સમયે અકસ્માત નોતરી શકે છે. ડીસા હાઈવે પર ઠેર ઠેર જગ્યાએ ગટરો પર ઢાંકણાનો અભાવ જોવા મળી રહ્યો છે. ખુલ્લી ગટરોના કારણે શહેરીજનો માટે જોખમ ઊભું થઈ શકે છે, અને ખુલ્લી ગટરોમાં પશુઓ પડવાના પણ અનેક બનાવો બની રહ્યા છે. તેમ છતાં નેશનલ હાઈવે ઓથોરિટીના સત્તાધીશો દ્વારા માત્ર ચોક્કસ જગ્યાએ નામપૂર્તિ કામગીરી કરી તેના ફોટોગ્રાફ્સ લઈ તારીખ 25 મેના રોજ પ્રિમોનસુન પ્લાનનો પ્રોજેક્ટ રિપોર્ટ રજૂ કરી દીધો હતો.જોકે વાસ્તવિકતા જોતા હાઈવે ઓથોરિટી દ્વારા આ પ્રિ-મોન્સુન પ્લાનની ખોટી કામગીરી બતાવી જિલ્લા કલેકટરને પણ ગેર માર્ગે દોર્યા હોવાનું પણ સ્પષ્ટપણે જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત, નેશનલ હાઈવે ઓથોરિટીની જમીનો પર પણ દબાણોનો રાફડો ફાટ્યો છે, જેના પર પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ તપાસ થાય અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.


