કાંકરેજ તાલુકાના વેપારી મથક થરાથી પસાર થતો દિલ્હી–કંડલા નેશનલ હાઈવે નંબર 27 નો બંને બાજુના સર્વિસ રોડ હાલમાં લોકો માટે મુશ્કેલીનું કારણ બની રહ્યા છે. હાઈવેની બંને બાજુ આવેલા સર્વિસ રોડમાં અનેક સ્થળોએ ખાડા પડી જતાં વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને વરસાદી મોસમ દરમિયાન આ ખાડાઓમાં પાણી ભરાઈ જતાં અકસ્માતની શક્યતાઓ વધી ગઈ છે.
સ્થાનિક વેપારી તેમજ થરા શહેરમાં ખરીદી અર્થે આવતા લોકોનો આક્ષેપ છે કે લાંબા સમયથી સર્વિસ રોડની યોગ્ય મરામત કરવામાં આવી નથી. જેના કારણે રોજિંદા અવરજવર કરતા ગ્રામજનો, સ્કૂલ જતાં વિદ્યાર્થીઓ તેમજ વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વાહનો ખાડામાં ફસાઈ જતાં વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ પણ ઊભી થાય છે. પ્રજાજનો માર્ગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગ તેમજ નેશનલ હાઈવે ઓથોરિટીને તાત્કાલિક કાર્યવાહી કરીને સર્વિસ રોડની બંને બાજુ ચોમાસાના પાણીના યોગ્ય નિકાલ માટેની મરામત કરવા માંગ કરી રહ્યા છે. જો સમયસર કામગીરી નહીં થાય તો લોકો આંદોલનનો માર્ગ અપનાવવાનો ચીમકી આપી રહ્યા છે.

