શિયાળાની શરૂઆતની સાથે જ ઉત્તર ગુજરાતમાં ચોમાસુ પાછું ફર્યું છે.અરબ સાગરની ડિપ્રેશન સિસ્ટમને કારણે છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતના 83% વિસ્તારને વરસાદે ચપેટમાં લીધો છે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે.
ઉત્તર ગુજરાતમાં રવિવાર સાંજથી સોમવાર સાંજ સુધીના 24 કલાકમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. મહેસાણા જિલ્લામાં ઊંઝામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો. આ અચાનક આવેલા માવઠાએ ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવી લીધો છે. કમોસમી વરસાદથી મગફળી, જુવાર, કપાસ, સોયાબિન સહિતનો પાક પલળી જતાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે. કડી પંથકમાં ખેતરોમાં ઊભા ડાંગર સહિતના પાકોને નુકસાન થવાના કારણે ખેડૂતો ચિંતીત બન્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, પાછોતરા રહેલા જુવાર વાવેતરની કાપણી કરીને ખેતરમાં પડી હતી અને વરસાદ થતાં જુવારના પૂળા પલળી જવાથી મોટું નુક્સાન થયું છે. મહેસાણાના લાખવડ ના ખેડૂતોએ જણાવ્યું હતું કે ઊભો કપાસ કાળો પડી ગયો છે જેને કારણે કપાસના પાકને વ્યાપક નુકશાન જોવા મળી રહ્યું છે.તો રવિ પાક પણ લંબાશે.
ખરીફ સિઝનના પાક ઉપરાંત રવિ સિઝનની વાવણી પર માવઠાની અસર
ખરીફ સિઝનના પાકને નુકસાન થવાની સાથે રવિ સિઝનની વાવણી પર પણ આ માવઠાની માઠી અસર પડવાની છે. કૃષિ નિષ્ણાતોના મતે, હાલ ખરીફ સિઝનની કાપણી અને રવિ સિઝનની વાવણીનો સમય છે. વરસાદના કારણે ખેતરોમાં પડેલો પલળેલો પાક જ્યાં સુધી સૂકાશે નહીં, ત્યાં સુધી ખેડૂતો તેને નહીં લઈ શકે અને કાપણી માટે વધુ સમય લાગશે. ખેતરો ખાલી ન થાય ત્યાં સુધી રવિ સિઝનના નવા પાકની વાવણી શક્ય નથી. વધુમાં, ખાલી ખેતરોમાં પણ જમીન અને હવામાં ભેજનું પ્રમાણ વધ્યું હોવાથી ‘વરાપ’ ન થાય ત્યાં સુધી નવી વાવણી શક્ય નથી. ખેડૂતોએ ખરીફ સિઝનમાં અડધો પાક અતિવૃષ્ટિમાં ગુમાવ્યો હતો અને બચેલી આશા આ માવઠામાં પલળી ગઈ છે. મહેસાણા, બહુચરાજી, ઊંઝા પંથકમાં રાયડાના અને કપાસના પાકને પણ વધુ વરસાદ પડે તો પાછો આવવાની ચિંતા પેઠી છે.

