શૌચાલયો બનાવવા જનમંચના પ્રમુખની લેખિત માંગ
મહેસાણા શહેરમાં નગરપાલિકા માંથી મહાનગરપાલિકા બનતાની સાથે જ વિકાસ કૂદકેને ભૂસકે હરણફાળ ભરતો જોવા મળી રહ્યો છે. તેવામાં મહેસાણા શહેરમાં સાફ સફાઈ અને દબાણો હટાવવાની કામગીરીએ જબરદસ્ત વેગ પકડ્યો હોય તેમ શહેરના અનેક વિસ્તારોમાં સતત છેલ્લા કેટલાય દિવસોથી ગેરકાયદેસર રીતે બનાવેલા દબાણો પર મનપાએ તવાઈ બોલાવી દીધી છે. ગેરકાયદેસર રીતે કરેલા દબાણો પણ મનપા દ્વારા કાયદાનું બુલડોઝર ફેરવી તે તમામ દબાણો તોડી પાડવામાં આવે છે અને જ્યાં બુલડોઝર નથી પહોંચી શકતું ત્યાં હાથોડાથી પણ તે દબાણોનો દૂર કરવાની કાર્યવાહી કડકપણે કરવામાં આવી રહી છે. વાસ્તવમાં જોવા જઈએ તો ખરા અર્થમાં હવે જ મહેસાણા શહેરનો વિકાસ થતો જોવા મળી રહ્યો છે.
પરંતુ શહેરના મગપરા સહિત ચરખી વિસ્તારની જો વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં મનપાનો વિકાસ સાવ ગાંડો થઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે. મહાનગરપાલિકાની બેવડી નીતિના કારણે ગરીબ ગજરની ઝૂંપડા કે છાપરા બાંધીને રહેતી બેન દીકરીઓ ખુલ્લામાં શૌચક્રિયા તથા રોડ પર પ્લાસ્ટિકના પડદા બાંધી બાથરુમ અને સંડાસનો ઉપયોગ કરવા મજબૂર અને લાચાર બની ગઈ છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યોજના હર ઘર શૌચાલય ૨૦૧૪ અંતર્ગત જેતે સમયના ભાજપ શાસિત નગરપાલિકાના પ્રમુખ રોહિત પટેલ દ્વારા શૌચાલયોનું નિર્માણ કરી હર ઘર શૌચાલય અભિયાનનો અમલ કરી મહેસાણા શહેરના અનેક વિસ્તારોમાં શૌચાલયો બનાવી આપી શહેરને શૌચમુક્ત કરવામાં આવ્યું હતું. જ્યાં તાજેતરમાં બનેલી મહેસાણા મહાનગરપાલિકા દ્વારા એજ શૌચાલયો તોડી પાડવામાં આવતા શહેરના મગપરા અને ચરખી વિસ્તારનો રાહીશોની હાલત કફોડી બની જવા પામી છે. ત્યારે આ વિસ્તારના સ્થાનિકોમાં દબાણ અને શૌચાલયો તોડી પાડવાના કારણે વિરોધ થઈ રહ્યો છે. દબાણ તો ઠીક છે પણ ગરીબ પરિવારની બેન દિકરીઓને ખુલ્લામાં પ્લાસ્ટિક બાંધીને શૌચક્રિયા અને સ્નાન કરવુ પડે એટલી હદે વિકાસ કેટલો યોગ્ય છે???
શૌચાલયો તોડી પાડવાના મામલે સ્થાનિક રહેવાસીઓ મહાનગરપાલિકાના સત્તાધીશોનો વિરોધ કરવાની સાથે વિરોધપક્ષના નેતાને જાણ કરતા જનમંચના પ્રમુખે મનપા કમિશ્નરને નવા શૌચાલયો બનાવવાની આપવા માંગ કરતો પત્ર લખ્યો છે. ઉપરોક્ત વિસ્તારમાં આ બાબતે ખૂબ જ ક્ષોભજનક સ્થિતી જોવા મળતાં જનમંચના પ્રમુખ પાર્થ રાવલ દ્વારા મનપાની કામગીરીને લઈને ગંભીર સવાલો ઉભા કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે શુ જેતે વખતે આ શૌચાલયો બનાવવામાં આવ્યા હતા ત્યારે આ દબાણો નહોતા દેખાયા?? તો બીજી તરફ નવા ગોપીનાળાથી લઈને રેલવે સ્ટેશન સુધી સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે ત્યા કોઈ દબાણ કેમ દેખાતુ નથી?? શું બે વગદાર પુર્વ નગરપાલિકાના પ્રમુખોની મિલકતો તથા વગદાર વ્યક્તિઓની મિલકતોના લીધે ત્યાના દબાણ મનપા અધિકારીઓને નથી દેખાતા? કે જ્યાં વળાંક પુરો થતા જ દબાણો ચાલુ થઇ જાય છે? તો તેના માટે મહાનગરપાલિકાના સત્તાધીશોને દબાણ હટાવવા માટે કયો ગ્રહ નડી રહ્યો છે કે પછી આંખ આડા કાન કરીને એવા દબાણકારોને છાવરાવા આવી રહ્યાં છે???