મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બાવલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. જેમાં મહેસાણા એલસીબીની ટીમે જેતપુરા નજીકમાં આવેલી જીઆઇડીસીમાં ફિલ્મી ઢબે ટ્રકનો પીછો કરી વિદેશી દારૂ ભરેલી ટ્રકને ઝડપી પાડી તપાસ હાથ ધરી હતી. જે તપાસ દરમિયાન ટ્રક સહિત 20 લાખથી વધુનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે. ત્યારે બાવલુની સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને એલસીબી પોલીસે સપાટો બોલાવી દેતા પોલીસ બેડામાં પણ હડકંપ મચી જવા પામ્યો છે.
મળતી માહિતી મુજબ કડીના બાવલું પોલીસ સ્ટેશનની હદમાં આવેલા જેતપુરામાં વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાયો છે જેમાં જેતપુરા જીઆઇડીસીમાં એલસીબી પોલીસની ટીમે ટ્રકનો પીછો કરી 6348 જેટલી દારૂની બોટલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે, પોલીસ પાછળ પડી હોવાની જાણ થતાની સાથે જ ટ્રક ચાલક સ્થળ પર જ ટ્રક મુકીને ફરાર થઈ ગયો હતો.
જ્યારે મહેસાણા એલસીબી પોલીસે કડી તાલુકાના જેતપુરા જીઆઇડીસી વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ટ્રકને પકડી પાડ્યું છે. એલસીબી પોલીસની ટીમને બાતમી મળી હતી કે દેત્રોજથી અમદાવાદ તરફ જઈ રહેલા એક ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે ત્યારે એલસીબી પોલીસની ટીમ દ્વારા આ ટ્રકનો દૂર સુધી ફિલ્મી ઢબે પીછો કરીને પકડી પાડવામાં આવ્યો હતો. જેમાંથી મોટી માત્રામાં વિદેશી બનાવટની દારૂની બોટલો મળી આવતા ટ્રક સહિત કુલ 20 લાખ રૂપિયાના મુદ્દામાલને જપ્ત કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

