વાહનોના નકલી ફિટનેસ સર્ટિફિકેટ કૌભાંડ મામલે નોંધાવી ફરિયાદ
અનફિટ વાહનોને બોગસ ફિટનેસ સર્ટિફિકેટ પધરાવી દેતા ફરિયાદ; મહેસાણા જિલ્લામાં વાહનોના ટેસ્ટિંગ વગર જ ફિટનેસ સર્ટિફિકેટ બનાવી આપવાનો મસ મોટું કૌભાંડ ખુલ્લેઆમ ચાલી રહ્યું છે પરંતુ સેટિંગ બાજ તંત્રના અધિકારીઓને કદી નજરે નથી પડ્યું. ઘણા વર્ષોથી વાહનોના વિવિધ પ્રકારના સર્ટિફિકેટ બનાવી આપવાનો ગોરખધંધો સમગ્ર જીલામાં ફુલ્યો ફાલ્યો છે. થોડાક પૈસા કમાવી કેવાની લાલચે ઠેર ઠેર હાટડીઓ ખોલીને બેસી ગયેલા બોગસ ફિટનેસ સર્ટિફિકેટ આપતા લોકો ઠેક ઠેકાણે જોવા મળી રહ્યા છે. જેમાં આવરદા પતી ગયેલા વાહનના ચાલકો પણ ડબલ પૈસા ચૂકવીને પોતાના વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ બનાવવા લાઈનો લગાવે છે. જે મામલે બોગસ દસ્તાવેજોના આધારે ફિટનેસ સર્ટિફિકેટ આપનાર એજન્સીને એક વર્ષ અગાઉ મહેસાણા આરટીઓ કચેરી દ્વારા રદ કરવામાં આવેલ અને જેનો દંડ વસૂલી આવી બોગસ એજન્સીઓને ચેતવ્યા હતાં.
જેમાં આવરદા પતી ગયેલા વાહનોને ફિટનેસ સર્ટિફિકેટ આપવા માટે સરકારે નીમેલી એજન્સી દ્વારા વાહનોના ટેસ્ટ કર્યા વગર જ ફક્ત ફોટો પાડીને તેનું એડિટિંગ કરીને વધારે રૂપિયા લઈ ફિટનેસ સર્ટિફિકેટ બનાવી આપવાના મસ મોટા કૌભાંડનો ખુલાસો થયો હતો.આરટીઓ કચેઇના અધિકારીઓ દ્વારા આવી એજન્સીના લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવેલી અને તેની સાથે કાયદેસરનો દંડ વસુલવામાં આવ્યો હતો. પરંતુ સમગ્ર કૌભાંડ મામલે મહેસાણાના આરટીઓ અધિકારી દ્વારા એક વર્ષ વીત્યા બાદ મંગળવારે એજન્સીના સંચાલક અને ત્યાં કામ કરતા માણસો વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
બોગસ દસ્તાવેજો આધારે ફિટનેસ સર્ટિફિકેટ બનાવી આપનાર એજન્સીને આરટીઓ અધિકારી દ્વારા એક વર્ષ અગાઉ રદ કરી દેવામાં આવી હતી, જે એજન્સી પાસેથી ખોટા સર્ટિફિકેટ બનાવી આપવા માટે દંડ પણ વસૂલવામાં આવ્યો હતો. ગાંધીનગર સ્થિત વાહન વ્યવહાર કચેરી દ્વારા ગત થોડા વર્ષો અગાઉ નમન ઇલેક્ટ્રોનિક્સ ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન ન્યુ સર્વે બ્લોક નંબર 155 હેડુવા રાજગરના સંચાલક સંજય પ્રવીણભાઈ રામાણીને બસ, ટ્રક અને લક્ઝરી સહિતના કોમર્શિયલ વાહનોનું ટેસ્ટિંગ કરીને સર્ટિફિકેટ આપવાનો અનુસંધાને નમન ઇલેક્ટ્રોનિક્સ દ્વારા વાહનોની ફિઝિકલી ચકાસણી કર્યા સિવાય અગાઉથી ઉપલબ્ધ કરાયેલા ફોટોને એડિટ કરી ઓનલાઇન ફોર્મ 69માં તે ફોટા અપલોડ કરી બનાવટી દસ્તાવેજો તૈયાર કરવામાં આવતા હતા, જે વાહનોની સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોવા છતાં પણ તેની ખોટી રીતે ફિટનેસ વેલિડિટી વધારી સરકારે નિયત કરેલી રૂ.500 થી 1500 ફી કરતા વધારે ટેસ્ટિંગ ફી લઈ ટ્રક, લક્ઝરી બસ સહિતના ખાનગી વાહનોને બોગસ ફિટનેસ સર્ટિફિકેટ બનાવી આપવામાં આવ્યા હતા.