ચોમાસા પહેલા આ માર્ગ નું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી; પાટણ શહેરના વિવિધ રસ્તાઓની હાલત હાલમાં દયનીય બની છે. જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ચોમાસા પૂર્વે આ ખખડધજ બનેલા માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
પાટણ શહેરના હાસાપુર થી બોરસણ ગામ તરફ જતા માર્ગ પર ડુંગરીપુરા ચોકડી એટલે કે અંબાજી નેળીયુ પૂરું થાય છે ત્યાં સુધીના માર્ગ પર ઠેર ઠેર ખાડા પડી જવા પામ્યા છે જેના કારણે અહીંઆવેલી ૫૦ થી વધુ સોસાયટીના રહીશોને અવર-જવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ આ રોડ હાસાપુર થી બોરસણ તરફ જવા માટે નો મહત્વનો માર્ગ હોય ગ્રામ્ય વિસ્તારના લોકોને તેમજ વાહન ચાલકો ને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નગરપાલિકા તંત્ર દ્વારા આ ખખડધજ બની ગયેલા રસ્તા ઉપર ચોમાસા પૂર્વે પેવરકામ શરૂ કરવામાં તેવી સ્થાનિક રહીશોની માંગ ઉઠવા પામી છે.