ડીસા શહેરના વોર્ડ નંબર 5 માં આવેલા અંબિકા નગર વિસ્તારમાં છેલ્લા 40 વર્ષથી વરસાદી પાણીના નિકાલની સમસ્યાથી સ્થાનિક રહીશો.ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ચોમાસાની દરેક ઋતુમાં વરસાદી પાણી ભરાઈ જવાથી લોકોના જીવ તાળવે ચોંટી જાય છે. આ સમસ્યા રાજ્ય સરકારના પ્રિ-મોન્સૂન પ્લાનિંગ પર પણ સવાલો ઉભા કરે છે. અંબિકા નગર વિસ્તારમાં આવેલા ગણપતિ દાદાના મંદિરની બાજુમાં વર્ષોથી વરસાદી અને ગટરના ગંદા પાણી ભરાયેલા રહે છે. આના કારણે શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે. પાણી ભરાવાને કારણે મચ્છર અને ભૂંડનો ઉપદ્રવ પણ વધ્યો છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. ભવિષ્યમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ સેવાઈ રહી છે.
સ્થાનિક રહીશો છેલ્લા 40 વર્ષથી નગરપાલિકામાં વરસાદી પાણીના કાયમી નિકાલ માટે રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. વર્ષ 2017 માં વરસાદી પૂરની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે નાળું તોડીને પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ ત્યાર પછી ફરીથી પરિસ્થિતિ જેવી હતી તેવી જ થઈ ગઈ છે. દર વર્ષે ચોમાસા પહેલા પ્રિ-મોન્સૂન પ્લાનની કામગીરી કરવા માટે સૂચનાઓ આપવામાં આવે છે. જોકે, ડીસા નગરપાલિકામાં આ કામગીરી માત્ર કાગળ પર જ જોવા મળતી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વોર્ડ નંબર 5 ના હાલના ચાર સભ્યો પૈકી ત્રણ ભાજપના છે.જેમાં એક મહિલા સભ્ય શિલ્પાબેન માળી અગાઉ નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે, તેમ છતાં વરસાદી પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા ઊભી કરી શક્યા નથી.
વોર્ડ નંબર 5 ના રહીશ અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા દ્વારા પણ પાલિકા કચેરી ખાતે વરસાદી પાણીના નિકાલ માટે અનેક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આજદિન સુધી કોઈ વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી. તેમણે જણાવ્યું હતું કે,જો ભાજપના પૂર્વ પ્રમુખના વિસ્તારમાં જ સામાન્ય મુશ્કેલીનું નિરાકરણ ન થઈ શકતું હોય, તો સામાન્ય નાગરિકોની સમસ્યાઓનું નિરાકરણ કેવી રીતે થશે ? તે એક મોટો પ્રશ્ન છે.


