ગાંધીનગરના રિપોર્ટ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન રાજ્યના ડાંગ જિલ્લાના ડાંગ-આહવા તાલુકામાં સૌથી વધુ ૯.૮ ઇંચ અને વલસાડના કપરાડા તાલુકામાં ૯.૫ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. આજે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર-હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની શક્યતાને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં ચોમાસાની વિધિવત્ શરૂઆત સાથે જ અમદાવાદ-ગાંધીનગરમાં મોડીરાતે વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદને કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. જે હજી પણ ન ઓસરતાં મનપાની કામગીરીની પોલ છતી થઇ છે. બીજી તરફ વાપીમાં ધોધમાર વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. તો ડાંગનો ગીરા ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે.
રાજ્યના અન્ય તાલુકાઓમાં, છેલ્લા ૨૪ કલાકમાં ડાંગના વઘઇ અને સુબીર તાલુકામાં ૭ ઇંચથી વધુ તેમજ વલસાડના ધરમપુર અને નવસારીના વાંસદા તાલુકામાં ૬ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત નવસારીના ખેરગામ અને તાપીના ડોલવણ તાલુકામાં ૪ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. વધુમાં, ગાંધીનગરના માણસા, દેહગામ અને ગાંધીનગર તાલુકામાં, ગીર સોમનાથના સુત્રાપાડા અને પાટણ-વેરાવળમાં, વલસાડના પારડી અને વાપીમાં, પંચમહાલના ગોધરા તથા નવસારીના ચિખલી તાલુકામાં ૩ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યના ૧૭ તાલુકામાં બે ઇંચથી વધુ, ૩૭ તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, ૮૯ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કુલ ૨૭ જિલ્લાના ૧૬૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે.

