વરસાદને કારણે ઉભી થઈ શકે તેવી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે પૂર્વતૈયારી અને રાહત કામગીરીની સમીક્ષા કરતા કલેકટર
સંબંધિત વિભાગોને એલર્ટ રહેવા અને સંભવિત આફતને પહોંચી વળવા માટે સજ્જ રહેવા સૂચના
હવામાન વિભાગ દ્વારા આગામી ૨૧ જૂન થી પાટણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા કલેકટર તુષાર ભટ્ટના અધ્યક્ષ સ્થાને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં કલેકટર દ્વારા વરસાદને કારણે ઉભી થઈ શકે તેવી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે પૂર્વતૈયારી અને રાહત કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ તમામ સંબંધિત વિભાગોને એલર્ટ રહેવા અને સંભવિત આફતને પહોંચી વળવા માટે સજ્જ રહેવા સૂચના આપવામાં આવી હતી. વધુ મા તેઓએ જણાવ્યું કે, તંત્ર માટે નાગરિકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને કોઈપણ જાનહાનિ કે સંપત્તિને નુકસાન ન થાય તે સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે. તેમજ કોઈપણ ઘટનાની જાણ તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમને કરવા સંબધિત તમામ વિભાગને સૂચના આપી હતી.
જિલ્લામાં સાવચેતીના ભાગરૂપે જર્જરિત મકાનોની યાદી અને આવા ભયજનક મકાનો મિલકતોને તત્કાલિક અસરથી ઉતારી લેવા ખાસ સૂચના આપી હતી. વધુમાં ગટર લાઇનોની સફાઈ, વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવા, નદી કાંઠા અને નીચાણ વાળા વિસ્તારોને સાવચેત કરવા આશ્રયસ્થાનોની વ્યવસ્થા ગોઠવવા અને અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવાની વ્યવસ્થા, માનવ અને પશુ મૃત્યુના કિસ્સામાં સરવે કરી સહાય ચૂકવવી, કલોરીનેશન, ગંદકી અને રોગચાળો ન ફેલાય એ માટેની તકેદારી રાખવા, દવાઓનો છંટકાવ, મેલેરિયા ડેન્ગ્યુ જેવા રોગમાં જાગૃતિ તેમજ સાવચેતી અને દવાઓનો પુરતો જથ્થો જેવી બાબતો અંગે સમીક્ષા કરી હતી. તેમજ તમામ લાઇન ડિપાર્ટમેન્ટના સંસાધનોની યાદી અને તેનું ચેકીંગ કરવા તાકીદ કરી હતી.
સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની ટીમોને તૈનાત કરવા અને જરૂર પડે લોકોને એર લીફ્ટિંગ દ્વારા રેસક્યું કરવા માટે પણ તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવશે એમ જણાવી કલેકટર તુષાર ભટ્ટે કોઈપણ અણધારી પરિસ્થિતિનો સામનો કરવા માટે વહીવટી તંત્રને સંપૂર્ણપણે સજ્જ રહેવા સૂચના આપી હતી.