બનાસકાંઠાના પાલનપુર શહેરમાંથી ચોરાયેલી ફોર્ચ્યુનર ગાડીનો ભેદ એલસીબીએ ઉકેલી નાખ્યો છે. એલસીબી સ્ટાફે દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુવારશીથી કણબીયાવાસ જવાના રોડ પર એક ટોયોટા ફોર્ચ્યુનર ગાડીને રોકી તપાસ કરી. ગાડીના ચાલક પાસે કાગળો માંગતા તેણે સંતોષકારક જવાબ ન આપ્યો. શંકાસ્પદ જણાતા પોલીસે તેની પૂછપરછ કરી હતી. આરોપીએ પોતાની ઓળખ રામજીજી રમેશજી ઠાકોર (ઉંમર 24, રહે. કુવારશી, તા. દાંતા) તરીકે આપી હતી. પૂછપરછમાં તેણે કબૂલ્યું કે આ ગાડી તેણે ગઈકાલે પાલનપુરની એક ગેરેજ પાસેથી ચોરી કરી હતી.
પકડાયેલી સફેદ કલરની ફોર્ચ્યુનર ગાડીનો આગળનો બમ્પર ખોલેલો હતો અને આગળની નંબર પ્લેટ લગાવેલી ન હતી. ગાડીનો પાછળનો નંબર GJ-06-PK-0313 છે. ગાડીની કિંમત રૂ. 42 લાખ અને આરોપી પાસેથી મળેલા મોબાઈલની કિંમત રૂ. 3000 મળી કુલ રૂ. 42.03 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 35(1)(ઈ) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.