લોકોના ટોળેટોળા ઉમટ્યા,આરોપીઓ પ્રત્યે ફીટકારની લાગણી; બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામમાં થયેલી વૃદ્ધ દંપતીની જઘન્ય હત્યાના બનાવમાં પોલીસે આરોપીઓને સાથે રાખી સમગ્ર બનાવનું રી- કન્સ્ટ્રક્શન કર્યું હતું.જેને લઈ લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.
રાજ્ય પોલીસના સ્ટેટ મોનીટરીંગ સેલમાં પી.આઈ તરીકે ફરજ બજાવતા એ.વી. પટેલના માતા-પિતા વર્ધાજી પટેલ અને હોંશિબેન પટેલની હત્યાના કેસમાં તપાસ માટે જિલ્લા પોલીસે 9 અલગ-અલગ ટીમો બનાવી હતી. તપાસ દરમિયાન પોલીસે જસરા ગામના સુરેશભાઈ શામળાભાઈ પટેલ અને શામળાભાઈ રૂપાભાઈ પટેલને પકડ્યા હતા. સાથે જ રામપુરા (ડીસા) ના ઉમાભાઈ ચેલાજી પટેલ અને ભુવાજી દિલીપજી મફાજી ઠાકોરની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક દંપતીના પડોશમાં રહેતા સુરેશ અને તેના પિતા શામળાભાઈ પટેલે રૂપિયા કમાવવા માટે તાંત્રિક વિધિ કરવા દાગીનાની જરૂર હોવાથી આ હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું.
બાદમાં લાખણી કોર્ટમાં પોલીસે આરોપીઓને રજૂ કરી 25 મી તારીખના બપોરના 12 વાગ્યા સુધીના 6 દિવસના રીમાન્ડ મેળવ્યા હતા.રીમાન્ડ દરમિયાન પોલીસે આજે આરોપીઓને સાથે રાખી બનાવનું રી -કન્સ્ટ્રક્શન કર્યું હતું.જેને લઈ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને આરોપીઓ પ્રત્યે ફિટકારની લાગણી વરસાવી હતી. જોકે રી-કન્સ્ટ્રક્શન મામલે પોલીસે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું પણ બુધવારે આરોપીઓના રીમાન્ડ પુરા થાય છે. જેમાં સ્ફોટક ખુલાસા થવાની શકયતા છે.

