પંદર દિવસમાં બે ઇકો કારની ઉઠાંતરી કરી
ડીસા તાલુકાના ભોયણ ગામે આવેલ શેત્રુંજય સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી તસ્કરો બેફામ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે.જેથી સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ બાબતે ડીસા તાલુકા પોલીસમાં સ્થાનિક લોકોએ અનેકવાર રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી એક પણ ચોરીની ઘટનામાં પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી સ્થાનિક લોકોમાં પોલીસ સામે રોષ જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં શિયાળાની ઠંડીની શરૂઆત થતાની સાથે જ વાહન ચોર ટોળકી સક્રિય બની છે અને જિલ્લામાં એક બાદ એક નાની મોટી અનેક ચોરીની ઘટનાઓને ચોર ટોળકી અંજામ આપી રહી છે બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે શિયાળાની ઋતુની શરૂઆત થતા જ ચોરીઓની ઘટનામાં વધારો થાય છે.અત્યારે શિયાળાની શરૂઆત થતાં જ બનાસકાંઠા જિલ્લામાં મંદિર રહેણાંક મકાનો અને વાહનોની એક બાદ એક ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે શત્રુંજય સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી ચોર ટોળકી સક્રિય બની છે અને 15 દિવસમાં જ શત્રુંજય સોસાયટીમાંથી બે ઇકો ગાડીની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે.
આ વિસ્તારમાં મોટાભાગે મજૂર વર્ગના લોકો વસવાટ કરે છે અને આ રીતે વારંવાર ચોરીની ઘટના બને તો આ મજૂર વર્ગના પરિવારોને પોતાના ઘરનું ગુજરાન કઈ રીતે ચલાવવું ? તે એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે આજે શત્રુંજય સોસાયટીમાં મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં એકત્રિત થઈ અને પોલીસ સામે રોષ વ્યક્ત કર્યો હતો.