કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોના કરુણ મોત નિપજતા સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ હૃદયદ્રાવક ઘટનાની દેશભરમાં સખત શબ્દોમાં નિંદા થઈ રહી છે. આ ઘટનાના વિરોધમાં આજે ડીસામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા સખત વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. સંસ્થાના કાર્યકર્તાઓએ ડીસાના નાયબ કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરી આતંકવાદીઓને તાત્કાલિક પકડીને તેમનો સફાયો કરવાની માંગણી કરી હતી. આ ઉપરાંત, મૃતકોના પરિવારજનોને ઝડપથી ન્યાય મળે તેવી પણ માંગણી કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે આતંકવાદીઓએ ધર્મ પૂછીને હુમલો કર્યો હોવાની આ પ્રથમ ઘટના છે, જે અત્યંત ગંભીર અને ચિંતાજનક છે. આથી, હવે આતંકવાદને જડમૂળથી નાબૂદ કરવો એ જ સરકારનું મુખ્ય કર્તવ્ય હોવું જોઈએ. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકર્તાઓએ સરકારને આહવાન કર્યું હતું કે તેઓ આતંકવાદ સામે કડક પગલાં ભરે અને દેશમાંથી આતંકવાદનો સંપૂર્ણ ખાતમો બોલાવે.

