લાભ પાંચમે વેપારીઓ પોતાના ધંધા રોજગારનું મુહૂર્ત કરતા હોય છે. ત્યારે પાલનપુરના એક વેપારી એ નવી પહેલ કરી હતી. પાલનપુરના વૃદ્ધાશ્રમમાં રહેતા 50 થી વધુ વૃધ્ધોને લાલ જાજમ પાથરી ફૂલ બિછાવીને પોતાની દુકાને લાવીને આઇસ્ક્રીમ અને કોલ્ડ્રીંક સહીત મીઠાઈ દ્વારા મોઢું મીઠું કરાવી તેમનાં ચરણ સ્પર્શ કરી પોતાના ધંધા રોજગાર ની શરૂઆત કરી હતી.
દિવાળીના તહેવારોના મીની વેકેશન બાદ લાભ પાંચમના દિવસે શુભ મુહૂર્તમાં વેપારીઓ પોતાના ધંધા રોજગારનો પ્રારંભ કરતા હોય છે. ત્યારે પાલનપુરની ડેરી પ્રોડક્ટના વેપારીએ નવતર પહેલ કરતા વૃદ્ધાશ્રમના વૃધ્ધોને દુકાનમાં બોલાવી ધંધા રોજગાર નો પ્રારંભ કર્યો હતો. વૃધ્ધોને આઇસ્ક્રીમ, કોલ્ડ્રિન્કસ પીવડાવી મીઠાઈ ખવડાવી મોંઢું મીઠું કરાવી વેપારીએ પોતાના ધંધા રોજગાર ની શરૂઆત કરતા પહેલા નવતર અભિગમ દાખવ્યો હતો. વેપારી હરિભાઈ પટેલએ વડીલોના અંતરના આશીર્વાદ થકી પોતાના ધંધાનો પ્રારંભ કરવા બદલ ખુશી વ્યકત કરી હતી.
પોતાના પરિવારથી દૂર વૃદ્ધાશ્રમ માં રહેતા માતા પિતાને દિવાળીના તહેવારોમાં જ્યાં પરિવાર પણ યાદ કરતો નથી. ત્યારે એક વેપારીએ વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને લાલજાજમ પાથરી પુષ્પવર્ષા કરી ઉષ્માભર્યું સ્વાગત કરી ધંધા રોજગારની શરૂઆત કરી અનોખી પહેલ કરી હતી. જેને અરુણભાઈ શુક્લ સહિતના વડીલોએ બિરદાવી હતી. આમ, પાલનપુરના એક વેપારીએ વડીલોના આશીર્વાદ લઈ ધંધાનો પ્રારંભ કરી નવો ચીલો ચાતર્યો હતો.