ઈડર તાલુકાના અબડાસણ ગામની સીમમાં રહેતી એક સગીરા સાથે દુષ્કર્મના કેસમાં ઈડર કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. બડોલી ગામના આરોપી દશરથ સેંધાભાઈ રાવળને કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ઘટના 22 એપ્રિલ 2000ની છે. આરોપી દશરથ રાવળે સગીરાને લલચાવીને તલોદના પુંસરી ગામે બાઈક પર લઈ ગયો હતો. ત્યાં તેણે સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાના પરિવારજનોએ ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ન્યાયાધીશ કે.એસ. હિરપરાની કોર્ટમાં કેસ ચાલ્યો હતો. સરકારી વકીલ પ્રણવ સોનીએ રજૂ કરેલા પુરાવા અને દલીલોને આધારે કોર્ટે આરોપીને પોક્સો એક્ટ હેઠળ દોષિત ઠેરવ્યો છે. કોર્ટે આઈપીસી કલમ 376 (2),(N) હેઠળ 20 વર્ષની સખત કેદ અને રૂ.25 હજારનો દંડ ફટકાર્યો છે. પોક્સો એક્ટ 2012ની કલમ-5 (L) અને 6 મુજબ વધુ 20 વર્ષની કેદ અને રૂ.25 હજારનો દંડ પણ ફટકાર્યો છે. દંડની રકમ પીડિતાના પરિવારને વળતર પેટે ચૂકવવાનો આદેશ આપ્યો છે. વધુમાં, સરકારે સમાજકલ્યાણ વિભાગ મારફતે સગીરાને રૂ.1.50 લાખનું વળતર પણ ચૂકવવાનું રહેશે. આમ, કુલ રૂ.2 લાખનું વળતર પીડિતાના પરિવારને મળશે.