આત્મહત્યાનું કારણ અકબંધ : પોલીસે એડી દાખલ કરી તપાસ હાથ ધરી
પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના એચઆર મેનેજર અલ્કેશ કુમાર રાજપુતે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી તો આપઘાત નું કારણ અકબંધ રહેતાં પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.આ બાબતે મળતી માહિતી મુજબ સિદ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમા એચઆર મેનેજર તરીકે ફરજ બજાવતા 36 વર્ષીય અલ્કેશકુમારનો મૃતદેહ મોડી રાત્રે મળી આવ્યો હતો, જેની જાણ વહેલી સવારે પરિવારજનોને થતાં તેમણે પોલીસને જાણ કરી હતી.આ ઘટના સિદ્ધપુર શહેરના હાઇવે નજીક આવેલી ભાઈ કાકા સોસાયટીના C-52 નંબરના મકાનમાં બની હતી. અલ્કેશકુમારે કોઈ અગમ્ય કારણોસર પંખા સાથે સફેદ ખેસ વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ સિદ્ધપુર પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો (AD) નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.પ્રાથમિક માહિતી મુજબ, મૃતક અલ્કેશકુમાર રાજપુત સિદ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિવ ર્સિટીમાં હ્યુમન રિસોર્સ (HR) મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. તેમણે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે તપાસ કરવા પોલીસે હાલ ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

