હિંમતનગરના રાજપુર ગામમાં એક ખેડૂતને મોટું નુકસાન થયું છે. વીજ વાયરમાંથી ઝરતા તણખાને કારણે ત્રણ વીઘા ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો છે. રાજપુર ગામના ખેડૂત 10 વીઘા જમીનમાં ઘઉંનું વાવેતર કર્યું હતું. છેલ્લા 10 દિવસથી તેઓ પાકની કાપણી કરી રહ્યા હતા. રવિવારે તેમણે ત્રણ વીઘા ઘઉંની કાપણી કરીને ખેતરમાં ઢગલો કર્યો હતો.
બપોરના સમયે થ્રેસરમાં ઘઉં કાઢવાની તૈયારી ચાલી રહી હતી. તે દરમિયાન ખેતરમાંથી પસાર થતા વીજ વાયરો ઝોલા ખાતા હતા. વાયરમાંથી તણખા ઝર્યા અને ઘઉંના ઢગલામાં પડ્યા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આખો ઢગલો બળીને ખાખ થઈ ગયો. ખેડૂતે તરત જ વીજ વિભાગને આ ઘટનાની જાણ કરી છે. આ ઘટનાથી ખેડૂતને મોટું આર્થિક નુકસાન થયું છે.