સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ખેડતસીયા રોડ પર શનિવારે બપોરના સમયે ઓડ સમાજના બે પરિવારો વચ્ચે મારામારી થઈ હતી. સામાજિક પ્રશ્ને થયેલી આ મારામારીમાં એક યુવતીને ઈજા થઈ હતી અને એક અલ્ટો કારના કાચ તૂટી ગયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હિંમતનગરના ખેડતસીયા રોડ પર આવેલા આકાશવાણી કેન્દ્ર સામે આ ઘટના બની હતી. જીવાપુર ગામના ઓડ પરિવાર અને હિંમતનગરના ઓડ પરિવાર વચ્ચે સાટા પદ્ધતિએ કરેલા લગ્ન બાબતે વિવાદ થયો હતો.
જીવાપુરાના ઓડ સમાજના લોકો ચાર વાહનો લઈને આવ્યા હતા અને લાકડીઓ વડે મારામારી કરી હતી. મારામારીમાં એક યુવતીને માથાના ભાગે ઈજા પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતા 112 જનરક્ષક અને 108 એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી હતી. ત્યારબાદ એ ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

