હર હર મહાદેવ : આવતીકાલે મહાશિવરાત્રિના પર્વેને લઇ ડીસા સહિત બનાસકાંઠામાં ભક્તિનો મહાઉલ્લાસ

હર હર મહાદેવ : આવતીકાલે મહાશિવરાત્રિના પર્વેને લઇ ડીસા સહિત બનાસકાંઠામાં ભક્તિનો મહાઉલ્લાસ

શિવાલયોમાં હર-હર મહાદેવ અને ૐ નમઃ શિવાયના જયઘોષથી ગૂંજી ઉઠશે વાતાવરણ

પૌરાણિક મંદિરોમાં અભિષેક, મહાઆરતી, રુદ્રાભિષેક સહિત વિશેષ કાર્યક્રમો યોજાશે

ડીસા નજીકના સોનેશ્વર મહાદેવ અને શિવધામ રસાણા ખાતે લોકમેળા ભરાશે

આજે મહાશિવરાત્રિના પાવન પર્વને લઈને ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભક્તિમય માહોલ છવાશે ભગવાન ભોળાનાથની મહિમાને વર્ણવતો આ પવિત્ર ઉત્સવ આજે ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવાશે. વહેલી સવારથી જ શિવભક્તો શિવાલયોમાં પહોંચી “હર હર મહાદેવ” અને “ૐ નમઃ શિવાય”ના નાદ સાથે ભોળાનાથની આરાધનામાં લીન થઈ જશે.

શિવમંદિરોમાં દૂધ, જળ, મધ અને બીલીપત્રથી જળાભિષેક કરવામાં આવશે. ભક્તો ઉપવાસ રાખી ભાવપૂર્વક પૂજન-અર્ચન કરશે. અનેક મંદિરોમાં લઘુ રુદ્રાભિષેક, મહાઆરતી, ભજન, ધૂન અને સત્સંગ જેવા કાર્યક્રમો યોજાશે. કેટલીક જગ્યાએ ભાંગ અને દૂધની પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શિવમંદિરોને આકર્ષક રીતે શણગારવામાં આવ્યા છે, જેને કારણે ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં આવેલા અનેક પૌરાણિક શિવમંદિરોમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પાલનપુરના પાતાળેશ્વર મહાદેવ, બાલારામ મહાદેવ, હાથીદરા અને ગંગેશ્વર મંદિરોમાં ભક્તોની વિશાળ ભીડ એકત્રિત થવાની શક્યતા છે. ડીસા ખાતે રિશાલેશ્વર મહાદેવ તથા રસાણા નજીક આવેલ શિવધામમાં પણ વિશેષ કાર્યક્રમો યોજાશે.આ ઉપરાંત અરવલ્લીની ગીરીકંદરાઓમાં આવેલા કોટેશ્વર મહાદેવ, મુકેશ્વર મહાદેવ, વિશ્વેશ્વર મહાદેવ અને કેદારનાથ મહાદેવ મંદિરોમાં પણ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડશે. સરહદી વિસ્તારોમાં આવેલા મૂલેશ્વર મહાદેવ, કપિલેશ્વર મહાદેવ, વાળીનાથ મહાદેવ અને બુઢેશ્વર મહાદેવ મંદિરોમાં પણ દિવસભર ભક્તિભાવનો માહોલ રહેશે.

ઘણા શિવમંદિરોમાં શિવરાત્રિના અવસરે લોકમેળાઓનું આયોજન કરવામાં આવે છે. ડીસા નજીક મહાદેવીયા ગામે બનાસ નદીના કિનારે આવેલ સોનેશ્વર મહાદેવ ખાતે દર વર્ષે લોકમેળો યોજાય છે. આ વર્ષે પણ હજારો ભક્તો મેળામાં ભાગ લઈ મહાદેવજીના દર્શન કરશે. સાથે જ ડીસા-પાલનપુર હાઇવે પર સ્થિત શિવધામ રસાણા ખાતે પણ લોકમેળા યોજાયો હોય છે ત્યારે સમગ્ર જિલ્લામાં મહાશિવરાત્રિ પર્વને લઈને ભક્તોમાં અનોખો ઉત્સાહ અને શ્રદ્ધાભાવ જોવા મળી રહ્યો છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *