દેશ ભક્તિના માહોલ સાથે પાલનપુર શહેરમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ
ભારત માતા કી જય અને વંદે માતરમ’’ના નારા સાથે પાલનપુર નગર દેશ ભક્તિના રંગે રંગાયુ; બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા પાલનપુર શહેરમાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ” ની થીમ આધારે આ તિરંગા યાત્રા પોલીસ હેડ કવાર્ટર, પાલનપુર થી લઈને ગઠામણ ગેટ, ગુરુનાનક ચોક થી લઈને કલેકટર કચેરી, પાલનપુર સુધી અંદાજે ૩ કિ.મી અંતરમાં યોજાઈ હતી. તિરંગા યાત્રામાં ૧૦૦૦ ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. પોલીસ જવાનો દ્વારા પોલીસ બેન્ડ, બાઇક રેલી, ઘોડેસવારી પ્લાટૂન સહિત દરેક નાગરિકના હાથમાં રાષ્ટ્ર ધ્વજ સાથે ભારત માતા કી જય અને વંદે માતરમ’’ના નારા સાથે પાલનપુર નગર દેશ ભક્તિના રંગે રંગાયુ હતું. તિરંગા યાત્રાને રસ્તા પર નાગરિકોએ બહોળો પ્રતિસાદ આપ્યો હતો. નાગરિકોએ તિરંગા યાત્રાના વધામણા પણ કર્યા હતા.

