ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચે સરગાસણમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે આસ્કા હોસ્પિટલથી રિલાયન્સ ચોકડી તરફના રોડ પર આવેલા ડીએલએફ બિલ્ડિંગના અવાવરૂ મકાનમાંથી વિદેશી દારૂનું કટિંગ નેટવર્ક ઝડપી પાડ્યું છે. પોલીસે સ્થળ પરથી અંદાજે ચાર હજાર બોટલ વિદેશી દારૂ, એક કાર અને એક જ્યુપિટર સ્કૂટર મળીને કુલ રૂ. 14 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
પકડાયેલા આરોપીઓમાં રોહિત ભોલેરામ પ્રજાપતિ (વટવા) અને શ્રવણ રમણલાલ ખરાડી (ડુંગરપુર)નો સમાવેશ થાય છે. સ્થળ પરથી 141 પેટીમાં પેક કરેલો રૂ. 10.66 લાખની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો હાર્દિક રાજકપુર પાસવાન અને લાલાભાઈ નામના શખસે મંગાવ્યો હતો. સ્વિફ્ટ કાર પર ગાંધીનગરની ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવવામાં આવી હતી, જેનો અસલ નંબર હિંમતનગરનો છે. પોલીસે અન્ય ત્રણ વોન્ટેડ આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે. ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.