બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા તાલુકા મથકે કાર્યક્રમ યોજી 5000 જેટલાં પક્ષીઘર-કુંડાનું વિના મૂલ્યે વિતરણ કરાશે; ઉનાળાના પ્રારંભ ટાણે સમગ્ર જીવ સૃષ્ટિ ગરમી અને તરસનો અહેસાસ કરી રહી છે. આ પરિસ્થિતિમાં અબોલ પંખીઓને ઉનાળામાં દાણો પાણી મળી રહે એ માટે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી, S.P.C.A દ્વારા જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આજરોજ ચકલીઘર, પાણીના કુંડા, અને બર્ડ ફીડરનું વિનામૂલ્યે વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
જે અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, નિવાસી અધિક કલેક્ટર સી.પી.પટેલ અને ડીવાયએસપી બી.એમ.પરમારના હસ્તે હોમગાર્ડઝની બહેનો, કલેક્ટર કચેરીના કર્મચારીઓ, જીવદયા પ્રેમીઓ અને સેવાભાવી સંસ્થાઓના કાર્યકરો સહિત ઉપસ્થિત સૌને પ્લાસ્ટિક તેમજ માટીના પાણીના કુંડા, ચકલી ઘર અને માળાનું વિના મૂલ્યે વિતરણ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવેએ પ્રકૃતિનું કામ કરતી S.P.C.A ની જીવદયા પ્રવૃત્તિને બિરદાવી જિલ્લા વાસીઓને પણ આ સેવાકીય કાર્યમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.
જિલ્લાના દરેક તાલુકા મથકે આ પ્રકારનો કાર્યક્રમ યોજવામાં આવશે. આ કાર્યક્રમો થકી અંદાજે 5000 જેટલાં માળા- પક્ષીઘર- કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી, S.P.C.A દ્વારા દર વર્ષે ઉનાળાની શરૂઆતમાં પક્ષીઓ માટે માળા, પાણીના કુંડાનું છેલ્લા 14 વર્ષ થી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. આ પ્રસંગે S.P.C.A ના ઉપપ્રમુખ જયંતીભાઈ દોશી, સંસ્થાના સભ્યઓ પ્રફુલભાઈ શેઠ, ડો.ગણેશ ભાઈ પટેલ, સહિતના સભ્યો અને જીવદયા પ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.