પાલનપુરમાં મગફળી ટેકાના ભાવે ખરીદી બંધ રહેતા ખેડૂતો ત્રસ્ત
બે દિવસમાં માત્ર 05 ખેડૂતોની 437 બોરીઓની ખરીદી કરાઈ
રાજ્ય સરકારે મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે. ત્યારે પાલનપુર માર્કેટયાર્ડ માં ગઈકાલે ટેકાના ભાવે મગફળી ખરીદી કર્યા બાદ આજે સિસ્ટમ ખોરવાતા મગફળીની ખરીદી બંધ રહી હતી. જેથી મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોને મગફળી નીચા ભાવે વેચવાનો વારો આવ્યો હતો.
રાજ્ય સરકારે મોટા ઉપાડે મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી હતી. ત્યારે પાલનપુર માર્કેટયાર્ડમાં તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ અને જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા ગતરોજ મગફળી ખરીદીનો પ્રારંભ કરાયો હતો. જોકે, મગફળી ખરીદીના પ્રતિકાત્મક પ્રારંભ બાદ આજે બીજા જ દિવસે સિસ્ટમ ખોરવાતા ખરીદી બંધ રહી હતી. જોકે, સિસ્ટમ શરૂ થતાં જ ખેડૂતોને મેસેજ કરી જાણ કરાશે. જેથી આવતી કાલથી ખરીદી શરૂ થઈ જશે તેવું પાલનપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના મેનેજર દલસંગભાઈ પટેલે જણાવ્યું હતું.
રાજ્ય સરકાર રૂ.1356.60 રૂપિયાના ટેકાના ભાવે મગફળી ખરીદી કરી રહી છે. પરંતુ પાલનપુર માર્કેટયાર્ડમાં મગફળી ખરીદીના પ્રારંભ બાદ બીજા જ દિવસે સિસ્ટમ બંધ થતાં ખેડૂતો મુશ્કેલી માં મુકાયા હતા. ખેડૂતોને ના-છૂટકે ખુલ્લી હરાજીમાં નીચા ભાવે મગફળી વેચી નુકસાન વેઠવાનો વારો આવ્યો હોવાનું ધુમ્મડ ગામના ખેડૂત રમેશભાઈ પરમારે જણાવ્યું હતું.
આમ, પાલનપુરમાં તો સરકારની મગફળી ટેકાના ભાવે ખરીદીની જાહેરાત સંકલનના અભાવે બુમરેંગ સાબિત થતા ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
ટેકાના ભાવે ખરીદી બુમરેંગ પુરવાર: પાલનપુર માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદી માટે 2 સેન્ટરો ખોલવામાં આવ્યા છે. જેમાં પાલનપુર માર્કેટયાર્ડમાં પાલનપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ અને બનાસકાંઠા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા મગફળીના ટેકાના ભાવે ખરીદી કરવાનો પ્રારંભ કરાયો છે. જેમાં રૂ.1356.60 ના ભાવે એક ખેડૂતનો વધુમાં વધુ 4000 કિલો માલ લેવામાં આવશે. પ્રથમ દિવસે 5 ખેડૂતોની 437 બોરીની આવક થઈ હોવાનું મેનેજર દલસંગભાઈ પટેલે જણાવ્યું હતું. જોકે, કેટલા ખેડૂતોની નોંધણી થઈ છે તે વિગતો પણ તેઓની મળી નથી. જ્યારે સિસ્ટમ બંધ હોઈ ખેડૂતોને મેસેજ કરી શકાયા ન હોઈ આજે ખરીદી બંધ રહી હોવાનો એકરાર મેનેજરે કર્યો હતો. ત્યારે સંકલનના અભાવે મગફળી ખરીદી બંધ રહેતા તેનો ભોગ ખેડૂતો બન્યા હતા. આમ, પાલનપુરમાં મગફળી ટેકાના ભાવે ખરીદી પ્રથમ ગ્રાસે મક્ષિકા સમી પુરવાર થઇ હતી.