ભારત માલામાં જમીન સંપાદનમાં અપૂરતા વળતર સામે ખેડૂતોમાં આક્રોશ

ભારત માલામાં જમીન સંપાદનમાં અપૂરતા વળતર સામે ખેડૂતોમાં આક્રોશ

છાશની થેલીના ભાવે ખેડૂતો ની જમીન લેનાર સરકારના રાજમાં બિલ્ડરોને ઘી કેળાં

લાખણી, દિયોદર, કાંકરેજ અને થરાદના અસરગ્રસ્ત ખેડૂતોનો વિરોધ; બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ભારત માલા સામે વિરોધનો સૂર ઉઠ્યો છે. ભારત માલા એક્સપ્રેસ હાઈવે માટેની જમીન સંપાદનમાં કાંકરેજ, દિયોદર, લાખણી અને થરાદ તાલુકાના ખેડૂતોને ઓછું વળતર મળતું હોવાના આક્ષેપો સાથે ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. પાલનપુરમાં ચારેય તાલુકાના ખેડૂતોએ રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની ગુહાર લગાવી હતી. ખેડૂતોએ ન્યાય નહિ મળેથી ગાંધીનગર કૂચ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ભારત માલા એક્સપ્રેસ હાઈવેને લઈ બનાસકાંઠા જિલ્લામાં થરાદ થી અમદવાદ વચ્ચે ભારત માલા હાઇવેની કામગીરી ની શરૂઆત થઈ છે. ભારત માલા એક્સપ્રેસ હાઇવેને લઈ જમીન સંપાદનમાં ખેડૂતોને પૂરતા ભાવ મળી રહ્યા ન હોવાની રાવ ઉઠી છે. ખેડૂતોના આક્ષેપ છે કે, ખેડૂતોને પ્રતિ ચોરસ મીટર એ માત્ર રૂપિયા 20 થી 22 ના ભાવ મળી રહ્યા છે. જ્યારે ખેડૂતની નજીક જ બિલ્ડરો અને વેપારી ઓની એન.એ કરેલી જમીનના પ્રતિ ચોરસ મીટરએ 4000 થી 4500 રૂપિયા ભાવ મળી રહ્યા છે. એટલે ખેડૂતોને પોતાની જમીનના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે કાંકરેજ, દિયોદર, લાખણી અને થરાદ વિસ્તારના અસરગ્રસ્ત ખેડૂતોએ પાલનપુરમાં રેલી યોજી જિલ્લા કલેકટર મિહિર પટેલને આવેદન પત્ર પાઠવ્યુ હતું. જેમાં ભારત માલા એક્સપ્રેસ હાઈવેમાં સંપાદિત થતી જમીનનો બજાર ભાવ અને નવી જંત્રી અનુસાર પૂરતું વળતર આપવા માંગ કરી હતી. જોકે, ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો આગામી દિવસોમાં પાલનપુરથી ગાંધીનગર સુધી કૂચ કરી ઉગ્ર આંદોલની ચીમકી ખેડૂત અગ્રણી દોલાભાઈ ખાગડા અને અમરાભાઈ પટેલે ઉચ્ચારી હતી.

થરાદ થી અમદાવાદ જતા સિક્સલેન ભારતમાલા હાઇવેમાં ખેડૂતોની 1500 વીઘા જમીન સંપાદન થાય છે. તો બીજી તરફ અમુક વેપારી અને બિલ્ડરોની એનએ કરેલી 70 વીઘા જેટલી જમીન સંપાદન થાય છે. જેમાં ખેડૂતોની જમીન પાણીના મોલે જ્યારે રાજકીય નેતાઓ, જમીન માફીયાઓ અને બિલ્ડરોની એન.એ.થયેલી જમીનોના કરોડો રૂપિયા ચૂકવી સરકારની તિજોરી ને નુકસાન પહોંચાડવામાં આવતું હોવાના આક્ષેપો ખેડૂતોએ કર્યા છે. ત્યારે છાશની થેલીના ભાવે જમીનો પડાવી લેનાર સરકાર સામે ખેડૂતોએ આક્રોશ ઠાલવ્યો હતો. આમ, સરકાર તેમના મળતિયા ઓને વધારે ભાવ આપે છે. જ્યારે ખેડૂતોને પૂરતું વળતર આપતી નથી. ત્યારે ખેડૂતો પોતાની જમીનના પૂરતા વળતર માટે આંદોલન કરી રહ્યા છે.

ખેડૂતોની 1500 વિઘા ના 50 કરોડ: બિલ્ડરોની 70 વિઘા જમીનના રૂ.350 કરોડ!

થરાદથી અમદાવાદ જતા સિક્સ લેન ભારતમાલા હાઈવે માટે 1500 વિઘા જમીન ખેડૂતોની છે. તેમાં ખેડૂતો ને પ્રતિ ચોરસ મીટર 20 થી 50 રૂપિયા આપવા માટે ની વાત છે. એટલે કે, એક વિઘા દીઠ 2 થી 5 લાખ સુધી નું વળતર આપવાની વાત છે. તો બીજી તરફ એન.એ કરેલી વેપારીઓ, બિલ્ડરોની જમીન પ્રતિ ચોરસ મીટર 4 હજાર એટલે કે વિઘા દીઠ  4 કરોડ જેટલું વળતર આપવાની વાત છે. એટલે ખેડૂતો ની 1500 વિઘા જમીનનો ભાવ રૂ.50 કરોડ થાય છે. તો બીજી તરફ 70 વીઘા જમીન વેપારીઓ  બિલ્ડરોની છે. જેના રૂ.350 કરોડ ચૂકવવાની ચર્ચા છે. ત્યારે ખેડૂતો નું કહેવું છે કે, સરકાર ખેડૂતોની અને એન.એ કરેલી જમીનના ભાવમાં મોટો તફાવત રાખ્યો છે.  ત્યારે ખેડૂતો પોતાની જમીનનું પૂરતું વળતર મળે તે માટે આંદોલન કરી રહ્યા છે. ખેડૂતો નું કહેવું છે કે જીવ આપીશું પરંતુ જમીન નહીં આપીએ.

2000 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર:ગેનીબેન ઠાકોર

ખેડૂતોને જમીન વળતરમાં થઈ રહેલા અન્યાય વચ્ચે કથિત ભ્રષ્ટાચાર સામે બનાસકાંઠાના મહિલા સાંસદ ગેનીબેન ઠાકોરે પણ ભારત સરકારના માર્ગ પરિવહન કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી તેમજ સચિવ ઉમાકાંતને રૂબરૂ મળી લેખિત રજુઆત કરી હતી. જેમાં થરાદ થી અમદાવાદ નવીન ભારત માલા રોડમાં થયેલો ભ્રષ્ટાચાર વિગતવાર તમામ રેકોર્ડ અને પુરાવા સાથે આપીને થરાદ થી અમદાવાદ સુધીમાં આવતી જમીનનું ખેડૂતોને પૂરતું વળતર મળે તેવી માંગ કરી હતી. આ રોડમાં બનાસકાંઠા જિલ્લાના ભાજપના નેતાઓ, અધિકારીઓ એ સાથે મળીને ખેડૂતો પાસેથી પાણીના ભાવે જમીન લઈને જાહેરનામા પહેલા ઉદ્યોગ માટે સંપાદન કરેલ છે. લોકલ ખેડૂતોને નોકરીઓ અને રોજગારીની લાલચ આપીને તેમની સાથે છેતરપિંડી કરેલ છે. બનાસકાંઠા જિલ્લાની હદમાં આવી 70 વીઘા જમીન ઉદ્યોગ હેતુ માટે બિન ખેતી કરેલ છે. જ્યારે ખેડૂતોની 1500 વીઘા થી વધારે જમીન આ રોડમાં કપાત થાય છે. તમામ ખેડૂતોને માત્ર 50 કરોડનું વળતર સરકાર આપે છે. જ્યારે ભાજપ ના નેતાઓ અને અધિકારીઓને 70 વીઘા જમીનના 350 કરોડ વળતર આપે છે. આ માત્ર બનાસકાંઠા જિલ્લાના આંકડા છે. ત્યારે થરાદથી અમદાવાદ સુધી તમામ જિલ્લાઓમાં અધિકારીઓએ અને ભાજપના નેતાઓએ 2000 કરોડથી વધારે આ રોડમાં ભ્રષ્ટાચાર કરેલ હોવા ના આક્ષેપો કરી સાંસદ ગેનીબેન ઠાકોરે કેન્દ્રીય મંત્રી અને સચિવને રૂબરૂ મળીને આ તમામ વિગતથી વાકેફ કરેલ છે. ત્યારે કેન્દ્રમાંથી વિજિલન્સ કમિટી મારફત આ રોડની તપાસ માટે ખાતરી આપેલ હોવાનું તેઓએ જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *