પાટણ ખાતે કોગ્રેસ દ્રારા 100 ગામના નવ નિયુકત સરપંચોને સન્માનિત કરાયા
ધારાસભ્યો,પૂવૅ ધારાસભ્યો,સાંસદ સહિતનાઓએ સરપંચોનું અભિવાદન કર્યું; પાટણ વિધાનસભા મત વિસ્તારના 100 ગામોના નવનિયુક્ત સરપંચો અને સભ્યોનો કોગ્રેસ દ્રારા રવિવારે પાટણ ખાતે અભિવાદન સમારોહ પાટણ ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ,સાંસદ ગેનીબેન ઠાકોર,પૂવૅ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. દરેક સરપંચો અને સભ્યોનું કોગ્રેસ મહાનુભાવોના હસ્તે પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સન્માન કરી નવા ચૂંટાયેલા સરપંચોને ગ્રામ પંચાયતની સત્તાઓ અને કાર્યો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે સરપંચની ચૂંટણી સૌથી અઘરી છે. તેમણે 100 પંચાયત માંથી 5 પંચાયતને ભ્રષ્ટાચારમુક્ત મોડેલ તરીકે વિકસાવવા સૂચન કર્યું હતું. તેમણે પાટણ ધારાસભ્ય ડો. કિરીટ પટેલની કાર્યક્ષમતાની પ્રશંસા કરી અને જણાવ્યું કે તેમના નામથી જ અધિકારીઓ કામ કરતા થઈ જાય છે.
કાર્યક્રમમાં સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ, પૂર્વ ધારાસભ્ય ચમનજી ઠાકોર,રાધનપુર પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને દશરથભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડૉ.કિરીટ પટેલે નવનિયુક્ત પદાધિકારીઓને અભિનંદન પાઠવી ગ્રામીણ વિકાસના કાર્યોમાં સહયોગ આપવા આહ્વાન કર્યું હતું. ઉપસ્થિત અગ્રણીઓએ ગ્રામ્ય સ્તરે લોકશાહીને મજબૂત બનાવવા અને લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે સાથે મળીને કામ કરવા પર ભાર મૂક્યો હતો.

