ગૌસેવકોની દાનની ટહેલને પગલે દાનની સરવાણી વહાવતા નગરજનો: મકરસક્રાંતિ એટલે પતંગ ચગાવવાની સાથે દાન-પુણ્યનો મહિમા વર્ણવતું પર્વ. પાલનપુરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગૌ સેવા સમિતિ દ્વારા ગૌ દાન માટે ટહેલ નાખવામાં આવી હતી. જેમાં નગરજનોએ ઉદાર હાથે દાન આપ્યું હતું.ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગૌમાતાની સેવા માટે ગૌ સેવા સમિતિ દ્વારા દાનની ટહેલ નાખવામાં આવી હતી. જેમાં ગૌભક્તોએ શહેરના ગુરુનાનક ચોક સહિતના જાહેર માર્ગો પર ઉભા રહી ગૌ-દાન માટે ટહેલ નાખી હતી. જેમાં પાલનપુર વાસીઓએ ઉદાર હાથે દાન આપ્યું હતું. જોકે, આ દાન જિલ્લાની ગૌશાળાઓને ફાળવવામાં આવશે તેવું ગૌ ભક્ત પરેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું.
જોકે, ગૌ માતાઓ માટે છેલ્લા 13 વર્ષથી દાનની ટહેલ નાખવામાં આવે છે. જેમાં પાલનપુરવાસીઓ નો સારો પ્રતિસાદ મળી રહે છે. શ્રમિક થી લઈને ધનિકો દ્વારા મળતા સહયોગને લઈને પાલનપુરીઓની સેવા ભાવનાને ગૌ ભક્તોએ બિરદાવી હતી. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, પાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી, યુવા પ્રમુખ જીગર માળી, પૂર્વ નગરસેવક જયંતિભાઇ પઢીયાર, હસમુખ પઢીયાર, રવિ સોની, હર્ષદ પટેલ સહિતના ગૌ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આમ, પાલનપુરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે લોકોએ દાનની સરવાણી વહેડાવી પુણ્યનું ભાથું બાંધ્યુ હતું.