ડીસા નગરપાલિકા પ્રમુખ પદેથી સંગીતાબેન દવેને હટાવવા મામલે બ્રહ્મ સમાજમાં નારાજગી

ડીસા નગરપાલિકા પ્રમુખ પદેથી સંગીતાબેન દવેને હટાવવા મામલે બ્રહ્મ સમાજમાં નારાજગી

બ્રહ્મ સમાજના આગેવાનોનો સ્થાનિક ધારાસભ્ય સામે ઉગ્ર આક્રોશ

બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં બ્રહ્મ સમાજે સ્થાનિક ધારાસભ્ય સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને તેનું કારણ નગરપાલિકા બની છે. ડીસા ખાતે એકત્રિત થયેલા બ્રહ્મ સમાજે પાલિકા પ્રમુખ તરીકે સંગિતાબેન દવેને હટાવવા માટેના ધારાસભ્ય દ્વારા પ્રયાસ કરવામાં આવતા હોવાના આક્ષેપ કરવા સાથે સંગિતાબેનને નગરપાલિકાના પ્રમુખ પદેથી ના હટાવવાની માંગ પણ કરી છે.

ડીસા ખાતે આવેલી બ્રહ્મ સમાજની વાડી ખાતે એકત્રિત થયેલા બ્રહ્મ સમાજના આગેવાનોએ ભાજપ સમક્ષ તેમના સમાજની વફાદારી અંગે ચર્ચા કરી હતી તેમજ બ્રહ્મ સમાજના આગેવાનોએ જણાવ્યુ હતું કે સ્થાનિક ધારાસભ્ય દ્વારા બ્રહ્મ સમાજને ઘણા સમયથી ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યો છે. અગાઉ પણ જ્યારે સંગિતાબેન દવેની નગરપાલિકાના પ્રમુખ તરીકે વરણી થઈ હતી. ત્યારે પણ સ્થાનિક ધારાસભ્યના ઇશારે પાલિકાના સદસ્યો જિલ્લા ભાજપ કચેરી ખાતે પોતાના રાજીનામાં ધરવા માટે પહોંચી ગયા હતા. અને અત્યારે પણ સ્થાનિક ધારાસભ્યના ઇશારે જ પાલિકાના સદસ્યો સંગિતાબેનની ટર્મ પૂરી થયા પહેલા જ તેમને પદ પરથી દૂર કરવા માટે મથી રહ્યા છે.

અગાઉ ભાજપ દ્વારા પાલનપુર નગરપાલિકાના તત્કાલિન પ્રમુખ હેતલબેન રાવલને પણ આ જ રીતે તેમની મુદ્દત પૂર્ણ થાય તે પહેલા જ દૂર કરી દેવામાં આવ્યા હતા. ત્યારે પણ બ્રહ્મ સમાજમાં નારાજગી જોવા મળી હતી. તેમ છતાં બ્રહ્મ સમાજ આ અપમાનનો ઘૂંટડો સહન કરીને ભાજપ સાથે જોડાયેલો રહ્યો છે. ત્યારે એકવાર ફરી સ્થાનિક ધારાસભ્યના ઇશારે ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગિતાબેન દવેને દૂર કરવા માટે પેંતરા રચવામાં આવી રહ્યા છે જેને લઈ બ્રહ્મ સમાજ આઘાતમાં છે.

ત્યારે એકત્રિત થયેલા બ્રહ્મ સમાજે માંગ કરી છે કે સંગિતાબેનને નગરપાલિકાના પ્રમુખ પદથી દૂર ન કરવામાં આવે અને જો તેમ કરવામાં આવશે તો આગામી સમયમાં બ્રહ્મ સમાજ મોટું આંદોલન કરશે.

subscriber

Related Articles