ડીસા શહેર દક્ષિણ પોલીસે પ્રોહીબિશનના એક ગણનાપાત્ર ગુનામાં છેલ્લા આઠ વર્ષથી નાસતા ફરતા આરોપીને અમદાવાદથી ઝડપી પાડ્યો છે. પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ કચ્છ-ભુજ ચિરાગ કોરડીયા અને પોલીસ અધિક્ષક, બનાસકાંઠા અક્ષયરાજની નાસતા ફરતા આરોપીઓને પકડવાની સૂચનાના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનના સ્ટાફે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને ખાનગી બાતમીના આધારે આ આરોપીને પકડવામાં સફળતા મેળવી છે.
પકડાયેલ આરોપી રાજુરામ ઉર્ફે રાજુભાઈ ધનારામ ચૌધરી (ઉં.વ. ૪૯, ધંધો: વેપાર) છે, જે હાલ ૧૦૪, નિર્મલા હોમ, વંદેમાતરમ, ચાંદખેડા, અમદાવાદ ખાતે રહે છે અને મૂળ મોડાવાસ, તા.જી. પાલી (રાજસ્થાન)નો વતની છે. આ આરોપી ડીસા શહેર દક્ષિણ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૨૭૯/૨૦૧૮, ઘી પ્રોહી એક્ટ કલમ ૬૫ એઈ, ૧૧૬(૨), ૯૮(૨), ૮૧ મુજબના ગુનામાં છેલ્લા આઠ વર્ષથી ફરાર હતો. પોલીસે આરોપીને અમદાવાદથી પકડી પાડી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળતા બદલ ડીસા શહેર દક્ષિણ પોલીસની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે.

