ડીસાના આખોલ ગામની સીમમાં ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ, 8 આરોપી ઝડપાયા, 4 ફરાર, જિલ્લા એલસીબી પોલીસ દ્વારા 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત; હાલમાં રમાતી જગ વિખ્યાત આઇપીએલ ક્રિકેટ ટવેન્ટિ મેચોને લઈ બનાસ વાસીઓમાં પણ રોમાંચ છવાયો છે. તેની આડમાં શહેરી વિસ્તારોમાં ઠેરઠેર સટ્ટો રમાઈ રહ્યો છે. જેનો લૂણો ગામડાઓને પણ લાગ્યો છે. ત્યારે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના આખોલ ગામની સીમમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા 8 લોકોને બનાસકાંઠા જિલ્લા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ કર્યો છે.
ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા હાલમાં ચાલી રહેલી આઇપીએલ સીઝનની મેચોએ પ્રારંભથી જ ક્રિકેટ રસિકોમા ઉત્તેજના જગાવી છે. જેની આડમાં ઓનલાઈન ગેમ, શરતો અને સટ્ટાનું બજાર પણ ગરમાગરમ બની ગયું છે. જેમાં લાખોની નહીં પણ કરોડોની હારજીત થાય છે. ત્યારે વેપારી મથક ડીસા નજીકના આખોલ ગામે ક્રિકેટ સટ્ટો રમાતો હોવાની બાતમીના આધારે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચનાથી એલસીબી ટિમે આખોલ મોટી ગામની સીમમાં આવેલ દીપ રેસીડેન્સી સોસાયટીના એક મકાનમાં ઓચિંતી રેડ કરી હતી. જેમાં ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ઝડપાયું હતું. જેમાં પોલીસને કુલ 4,55,000 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો છે. જો કે આ કેસમાં 4 આરોપીઓ ફરાર થઈ ગયા છે. પોલીસે 3 લેપટોપ, 24 મોબાઈલ ફોન, 19 બેંક પાસબુક, 18 ચેકબુક અને 44 ડેબિટ કાર્ડ જપ્ત કર્યા છે. પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે. પોલીસની આ કાર્યવાહીના પગલે સટોડિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
ઝડપાયેલા આરોપીઓ
વિરદીપ જયંતીલાલ ઠક્કર (ઉં. 26)
વિક્રમભાઈ રમેશભાઈ ચૌહાણ (ઉં. 24)
રણજીતભાઈ લાલાભાઈ કુમરેચા (ઉં. 24)
ભાવસિંહ દશરથજી સોલંકી (ઉં. 29)
કરશનભાઈ બળવંતજી ચૌહાણ (ઉં. 19)
રાહુલજી જાંમાજી પરમાર (ઉં. 20)
રાજેશભાઈ ભુરાભાઈ ચૌહાણ (ઉં. 20)
રાકેશ ચંદુજી ઠાકોર (ઉં. 23)
ફરાર આરોપીઓ:
આકાશભાઈ ઉર્ફે એલેક્સ વાડીલાલ ઠક્કર
તુષાર વાડીલાલ ઠક્કર
મનોજભાઈ ચેલાજી પુરોહિત
કિશનકુમાર બાબુભાઈ ચૌહાણ