પાલનપુર નગરપાલિકા દ્વારા પ્લાસ્ટીકનો વપરાશ કરતા વેપારીઓ સામે કાર્યવાહી
સફાઈ ઝુંબેશ એ દરેક નાગરિકની નૈતિક જવાબદારી: ઘર, શેરી, ગામ તથા મહોલ્લાને સ્વચ્છ રાખવા તંત્ર દ્વારા કરાઈ અપીલ; સરકાર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ અંતર્ગત પખવાડીયા ઉજવણીના ભાગરૂપે તા.૨૨/૦૫/૨૦૨૫ થી તા.૦૫/૦૬/૨૦૨૫ સુધી સ્વચ્છતા ત્યાં પ્રભુતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના મંત્ર ચરિતાર્થ કરવા સમગ્ર બનાસકાંઠા જિલ્લો સ્વચ્છ બને તેમજ પ્લાસ્ટિક મુક્ત જિલ્લો બને તે મુજબનું આયોજન હાથ ધરાયું છે.
બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સ્વચ્છતા તથા પ્લાસ્ટિક મુક્ત અભિયાન શરૂ કરાયું છે. આજરોજ પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં સિમલા ગેટથી લઈને રેલવે સ્ટેશન વિસ્તારમાં પ્લાસ્ટિક વિરુદ્ધ વ્યાપક ચેકીંગ હાથ ધર્યું હતું તથા પ્લાસ્ટિકનો વપરાશ અને જાહેરમાં ગંદકી ફેલાવનાર લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ હતી તથા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું.
બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા બે મહિના દરમિયાન જિલ્લામાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત ઝુંબેશ ચાલી રહી છે. અગાઉ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ દ્વારા પાલનપુર શાક માર્કેટ વિસ્તારમાં ફેરિયાઓ અને વેપારીઓને પ્લાસ્ટીકનો ઉપયોગ નહીં કરવા બાબતે સંવાદ કરાયો હતો.
સફાઈ ઝુંબેશ એ દરેક નાગરિકની નૈતિક જવાબદારી સમજીને આપણું ઘર, શેરી, ગામ તથા મહોલ્લાને સ્વચ્છ રાખવા જરૂરી છે આ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બનાસકાંઠાના તમામ નાગરિકોને અપીલ કરાઈ છે. શાકમાર્કેટ ખાતે શાકભાજી લેવા આવતા લોકોને પ્લાસ્ટિકની થેલી નહીં પરંતુ ઘરેથી કાપડની થેલી લઈને આવે તે માટે પણ સૂચન કરાયું છે. વેપારીઓ પણ પોતાની દુકાનની આજુબાજુ સ્વચ્છતા જાળવે તે જરૂરી બને છે.
પ્લાસ્ટીકની બેગ સહિતની વસ્તુઓ ત્યાગીને કાપડની થેલીનો વધુમાં વધુ ઉપયોગ થાય તે અનિવાર્ય છે. લોકો સ્વયંભૂ પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં જોડાય તે માટે તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરાઈ છે. પાલનપુર શહેરમાં છેલ્લા બે મહિના દરમિયાન ૨૫૦ કિલોથી વધુ પ્લાસ્ટિક જપ્ત કરીને પેનલ્ટી અને દંડ પણ વસૂલવામાં આવ્યો છે.


