કોરોના કેસની પરિસ્થિતિને ધ્યાને રાખીને પૂર્વ આયોજન માટે તંત્રની તૈયારી
મહેસાણા જિલ્લા કલેકટર એસ.કે પ્રજાપતિના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી ડો. હસરત જૈસમીનની ઉપસ્થિતિમાં વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લાની મેડિકલ કોલેજ વડનગર, જનરલ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, તમામ સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષકની આરોગ્યલક્ષી વિવિધ કાર્યક્રમો અંગે થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.આ બેઠકમાં પી.એમ.જે.વાય, બિનચેપી રોગ, ટીબી, ડિલિવરી, સંચારી રોગો, મચ્છર જન્ય રોગ, કોરોના કેસ અંગે સાવચેતીની પૂર્વ તૈયારીઓ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
બેઠકમાં જિલ્લા કલેકટરવા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના(પી.એમ.જે.વાય.) અંતર્ગત તમામ લાભાર્થીઓને સરળતાથી લાભ મળે તે અંગેનું આયોજન કરવામાં આવે તેમજ તમામ સરકારી ફેસિલિટી ખાતે વધુને વધુ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પી.એમ.જે.વાય.) અંતર્ગત વધુમાં વધુ ક્લેમ થાય તે અંગેની સૂચના પણ આપવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડૉ હસરત જૈસમીને બિન ચેપી રોગ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કેન્સર વિશે વધુમાં વધુ લોકોનું સ્ક્રિનિંગ થાય અને સારવાર મળે તે અંગે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
વધુમાં રાજ્યમાં આવેલ કોરોના કેસની પરિસ્થિતિને ધ્યાને રાખીને પૂર્વ આયોજનના ભાગરૂપે તમામ હેલ્થ ફેસિલિટી ખાતે તાત્કાલિક સેવાઓ લાભાર્થીને મળી રહે તેવું આયોજન કરવા અંગે સુચના આપવામાં આવી હતી. તેમજ આરોગ્યલક્ષી સેવાઓ છેવાડાના માનવી સુધી પહોંચી શકે તે માટે જે તે હેલ્થ ફેસીલીટીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આરોગ્યલક્ષી વિવિધ માહિતી પ્રચાર કરવા અંગેની પણ સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.બી.બી.સોલંકી અને અધિક જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ જી.બી.ગઢવી, સિવિલ સર્જન ડો. ગોપીબેન પટેલ અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.