એરગનથી ફાયરિંગમાં 2 વ્યક્તિને ગોળીઓ વાગી, એકને અમદાવાદ ખસેડાયો
બંને પક્ષે 70 ના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી; પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામમાં રવિવારે બે જુથ વચ્ચે જૂની અદાવતને લઈને હિંસક અથડામણ સર્જાઈ હતી આ ઘટનામાં એરગન, લાકડીઓ અને પથ્થરમારો થતાં કુલ 5 લોકો ઘાયલ થતા તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાં એરગન ફાયરિંગમાં ધવાયેલ 2 વ્યક્તિ પૈકી એક વ્યક્તિની હાલત નાજુક જણાતાં વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો હોવાનું જાણવા મળ્યું છે. તો બનાવની બંન્ને જુથો એ સામ સામી 70 જેટલા માણસોના ટોળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને જુથો ની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. બનાવની મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામમાં જૂની અદાવતને લઈને બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી.
આ ઘટનામાં એરગન, લાકડીઓ અને પથ્થરમારો થયો હતો. જેમા કુલ 5 લોકો ઘાયલ થયા છે. એરગનથી થયેલા ફાયરિંગમાં બે વ્યક્તિઓને ગોળી વાગી હતી.જેમાથી એક વ્યક્તિને પગના ભાગે અને બીજાને પેટના ભાગે ગોળી વાગી હોય પેટમાં ગોળી વાગેલા ઈસમની સ્થિતિ ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવ્યો છે.
ઘટનાની જાણ થતાં જ વાગડોદ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે બંને જૂથોના ટોળાને વિખેરી નાખ્યા હતા. ઘાયલોને પ્રાથમિક સારવાર માટે પાટણની ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ધારપુર હોસ્પિટલના ડો.રમેશભાઈના જણાવ્યા મુજબ, બાકીના 4 ઈસમોએ પ્રાથમિક સારવાર બાદ રજા લઈને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાનું પસંદ કર્યું છે. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મેસર ગામમા પાટણથી વધારાનો પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.