મહેસાણામાં માનવ આશ્રામ ચોકડી પાસે ઉમાનગર સોસાયટીમાં રહેતા રામચંદાણી વિજયકુમાર જીતેન્દ્રભાઈએ શહેરમાં બી.કે.સિનેમા રોડ ઉપર શિવ સોસાયટીમાં રહેતા કડિયા રાજેશકુમાર અમૃતલાલને આપેલો રૂ.5.00 લાખનો ચેક પરત ફરવાના કેસમાં ત્રીજી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ બૃજેન્દ્રચંદ્ર ત્રિપાઠીએ બે વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. ચેકની રકમ રૂ.5.00 લાખ ફરિયાદ દાખલ કર્યાની તારીખ થી 9 ટકાના વ્યાજ સહિત દિન 30માં ચુકવી આપવાનો હુકમ કર્યો છે. વળતરની રકમ ચુકવવામાં ન આવતાં આરોપીએવધુ 3 માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે.
કેસની વિગત અનુસાર ફરિયાદી કડિયા રાજેશકુમાર કપાસીયા બજાર મુકામે આયુષી જવેલર્સ નામની દુકાન ધરાવે છે. આરોપી રામચંદાણીના પિતા તેમજ ફરિયાદી ગાઢ મિત્રો હોવાથી અરોપી તેમજ તેમના પિતા અવાર નવાર નાની મોટી રકમ હાથ ઉછીના લઈ જતા હતા. આરોપીએ પરા તળાવ પાસે આવેલ પાંજરા પોળ સ્થિત ભોલેનાથ મુખવાસના વિકાસ માટે એક વર્ષ માટે રૂ. 5.00 લાખ હાથ ઉછીના માંગેલા. તેમણે અર્બન બેન્કનો ચેક આપ્યો હતો જે પરત ફર્યો હતો. ફરિયાદીએ એડવોકેટ સમીર આઈ.દોશી મારફત ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરી હતી. જેમાં આરોપીને દોષિત ઠરાવી મહેસાણા કોર્ટે એક વર્ષની સાદી કેદ તેમજ ચેકની રકમ રૂ. 5.00 લાખ 9 ટકા વ્યાજ સહિત ચુકવી આપવા હુકમ કર્યો હતો.