જર્જરીત દિવાલોના કારણે જાનહાનીની દહેશત; બનાસકાંઠા જિલ્લાના વેપારી અને તાલુકા મથક ડીસા શહેરમાં નગરપાલિકા દ્વારા બ્યુટિફિકેશનના ભાગરૂપે દીવાલોને રંગીન અને આકર્ષક બનાવવામાં આવી રહી છે, પરંતુ તેની સાથે જ જર્જરિત દીવાલોના સમારકામની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. તાજેતરમાં, ગાયત્રી મંદિર નજીક એક દીવાલ તૂટી પડતાં એક મહિલાનું મૃત્યુ થયું હતું, જેણે શહેરની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન સામે આવેલી બાગાયતી અધિકારીની કચેરીની બાજુમાં પાલિકાની એક દીવાલ અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. આ દીવાલ પર લાખો રૂપિયાના ખર્ચે પેઇન્ટિંગ કરીને તેને સુંદર બનાવવામાં આવી છે, પરંતુ તેનું માળખું અત્યંત નબળું છે. જો આ દીવાલ તૂટી પડશે, તો એક તરફ જનતાના પૈસાનો વ્યય થશે અને બીજી તરફ રાહદારીઓને ગંભીર ઈજા થવાનો ભય રહે છે. શહેરના સત્તાવાળાઓએ માત્ર સુંદરતા પર ધ્યાન આપવાને બદલે જર્જરિત ઈમારતો અને દીવાલોના સમારકામ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. બ્યુટિફિકેશન પ્રોજેક્ટ્સની સાથે સાથે સુરક્ષા સંબંધિત માળખાકીય સુધારાઓ પણ થવા જોઈએ, જેથી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે અને ફરીથી કોઈ દુર્ઘટના ન બને.

